પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સોરઠી બહારવટીયા:૨
 

તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું.

રાવલ નદીને એવે ભયંકર સ્થાને રોળ્ય કોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે ઘડી બેઘડી વિસામો લેવા ઉતરેલ છે. ચાલીસે ઘોડીઓ રાવલ નદીનાં લીલુડા મીઠાં ઘાસ મોકળી ઉભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જેગવી ચલમો પીવે છે ને કોઈ વળી કરગઠીયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહી બહારવટીયાની આંખો પણ ઈશ્વરભકિતમાં બીડાય છે.

“જોગીદાસ ખુમાણ ! એક ચણેાંઠી ભાર અફીણ હશે તમારા ખડીયામાં ?” એક કાઠીએ આવીને પ્રશ્ન કર્યો.

“ના બાપ ! મારા ખડીયામાં તો તલ જેટલુંયે નથી રહ્યું.”

“કાંઈ ડાબલીમાં વળગ્યું હશે ?”

“હજી કાલ્યજ ડાબલી લૂઈ લીધી'તી ને ! કાં ? એવડી બધી શી જરૂર પડી છે ?”

“ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઉઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું'તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાંખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.”

"બીજા કોઈની પાસે નથી ?"

“બાપ ! તારા ખડીયામાં ન હોય તો પછી બીજાના ખડીયામાં તે ક્યાંથી હોય ?”

“આંખે ચોપડવા જેટલું યે નહિ ?”

“ક્યાંથી હોય ? એક કોરી પણ કોઇની પાસે ન મળે. શેનું લેવું?”