પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૫૫
 


"કોણ છે અટાણે ?” અંદરથી દરવાન કાગાનીંદરમાં બોલ્યો.

“મેમાન છીએ, મેમાન ! ઉધાડ ઝટ ! વધુ વાત સવારે પૂછજે.”

તોછડો જવાબ મળવાથી દરવાન વ્હેમાયો, કમાડની તરડ પર કાન માંડ્યા તો ચાલીસ ઘોડાંઓની ધકમક સાંભળી. દરવાન થરથર્યો.

“ઉઘાડ ઝટ ! ઉધાડ ભાઈ ! બરછી જેવી ટાઢ અમારાં કાળજાં વીંધી રહી છે ! ઉઘાડ."

“અટાણે કમાડ નહિ ઉઘડે."

“કાં ? શું છે તે નહિ ઉઘડે ?”

“નહિ ઉઘડે. તમે બારવટીયા લાગો છો.”

“અરે બાપ ! બારવટીયા તો ખરા, પણ કાંઈ શામજી મહારાજના બારવટીયા નથી. એનાં તો છોરૂડાં છીએ. ઉઘાડ ઝટ.”

“નહિં ઉઘડે, બહાર સુઈ રો'."

“એ-મ ?” જોગીદાસે મોખરે આવીને ત્રાડ દીધી; “નથી ઉઘાડતો ? કહીએ છીએ કે અમે શામજીના બારવટીયા નથી. પણ જો હવે નહિ ઉઘાડ ને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળી યે નહિ રે'વા દઇએ. અબધડી લુંટીને હાલી નીકળશું તો તારૂં મોઢું ખોઈ જેવું થઈ રહેશે. ઉધાડ ગેલા ! શામજીના આશરા તો ચોર શાહુકાર સહુને માટે સરખા કે'વાય.”

એ ન ભૂલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને 'કી ચૂ...ડ' અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસે ઘોડીઓ અંદર દાખલ થઈ ગઈ.

x x x

“શામજી દાદા !”