પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૫૭
 

એમજ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે ભા! હજી એક જા૫ અધૂરો છે ! હમણે પૂરો કરી લઉ છું !”

૧૫

ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે.

“કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનું મ્હોંમાગ્યું ચોસલ્યું કાઢી આપું.”

“છે કોઈ મરદ મૂછાળો !” એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો.

જસદણ દરબાર શેલા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે, એનો હાથ મૂછોના કાતરા ઉપર ગયો. ચોવીસીનું ચોસલ્યું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી. થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું.

“તમે પોતેજ, આપા શેલા ?” વજેસંગજીએ પૂછ્યું.

“હા ઠાકોર ! છ મહિને ગળામાં ગાળા નાખીને બહારવટીયો હાજર કરૂં.”

“અરે રંગ શેલા ખાચર !”

એવા રંગ લઈને શેલો ખાચર જસદણ સીધાવ્યો. થોડા દિવસ થયા ત્યાં તો એના કાઠીઓ અધીરા થઈ ગયા. ચોવીસીના ચોસલ્યામાંથી પોતપોતાને બટકું બટકુ મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા. અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા કે

“ભણેં આપા શેલા ! હવે તો બાંધી બાંધી ઘોડીયું પાછલા પગની પાટું મારી મારીને ઘોડહારનાં પાછલાં પડાળ તોડી નાખે છે. માટે હવે ઝટ કરો !”