પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સોરઠી બહારવટીયા:૨
 


“સાચુ ભણ્યું બા !” કહીને શેલો પણ ભાગ્યો.

ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે “એ આપા શેલા ! ગઝબ થાય છે. ભાગ્ય મા, ભાગ્ય મા !”

“ગાંગા ! તું હવે હળવે હળવે આવી પોગજે !”

એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો. અને આંંહી જોગીદાસને જોતાં જ ગાંગાની છાતી ફાટવા લાગી.

“વઘન્યાં ! મારા વિસામાનાં વઘન્યાં બાપ !”

એમ બબ્બે હાથે વારણાં લઈને ગાંગાએ બહારવટીયાને બુલંદ આજે બિરદાવ્યા.

શરમીંદો બનીને બહારવટીઓ બોલ્યો કે “ગાંગા બારોટ ! આ બિરદાવળીનાં મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી. શું કરૂં ?”

“બાપ જોગીદાસ ! હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારૂં તીરથ ઠર્યો.”

ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો.

આંહી શેલા ખાચરે થોડાંક હથીઆર પડીઆર અને થોડાંક ઘોડાં ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેવરાવ્યું કે “બારવટીયા તો વાંદર્યાં જીમાં ! દિ' રાત ગરની ઝાડીયુંમાં રે'વા વાળા ! સર સામાન મેલુ, ઝાડવાંના વેલા પકડુ પકડુને ઝાડવાં માથે ચડુ ગીયા. ચડુને ડુંગરામાં તડહકાવુ ગીયા ! અને યાનો આ અસબાબ અમે આંચકી લીધો તે દઉ મેલીએ છીએ.”

ઠાકોર સમજી ગયા. આ ટારડાં ઘોડાં ને આ સર સામાન જોગીદાસનાં હોય ! શેલો ખાચર છોકરાં ફોસલાવે છે !

ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે, એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો “ગાંગા બારોટ ! ભણેં હવે બાપુનો