પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન

પહેલા ભાગમાં અપાએલા વચન અનુસાર આશરે ૮૦ પાનાંનો એક લાંબો, વિગતભર્યો અને તુલનાત્મક દૃષ્ટિ આપવા યત્ન કરતો પ્રવેશક લખાઈને આ ભાગમાં જ દાખલ કરવા માટે તૈયાર પડેલો છે. પરંતુ આ પુસ્તકનાં ત્રણ જ વૃત્તાંતોનું દળ, એની બહુવિધ ઘટનાઓને લીધે અણધાર્યું વધી પડવાથી નિરૂપાયે પ્રવેશક રાખી લેવો પડ્યો છે.

તેમ છતાં હજુ બાકી રહેલા બહારવટીયા રવાજી- કલાજી, ગીગો મહીયો, રામવાળો, મોવર સંધવાણી, કાદુ મકરાણી વગેરેનાં વૃત્તાંતો સંઘરી લેવાની મારી ફરજ ઉભી જ રહે છે. સારાં અને નરસાં, છતાં તે ઇતિહાસનાં અંગો છે. એની કાળી અને ધોળી બને તેટલી ઘટનાઓ બની શકે તેટલા વિશ્વસનીય સ્વરૂપે સંઘરાઈ જવી જ જોઈએ. ને તેની સાથોસાથ, આ વૃત્તાંતોના પુંજ ઉપર મેં યથામતિ લીધેલું એક સંકલિત અવલોકન પણ સંધાડી દેવું જ જોઈએ: એ નેમ હોવાને લીધે ઉક્ત પ્રવેશક ટુંક જ સમયમાં બાકીનાં વૃત્તાંતોની સાથે ત્રીજા ભાગ રૂપે પ્રગટ થશે.