પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૬૯
 

”હા, તે વગર આ પાપનો પાર નહિ આવે.”

ભાણ-વજ્રછાતી વાળો ભાણ રોઈ પડ્યોઃ “આપા ! આપા !” કહી ખોળે ઢળી પડ્યો.

“રો મા બાપ ! મને રોકય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને ભાણ ! જોજે હો, જેબલીયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર સંભાળમાં મોળું કેવરાવતો નહિ હોં ! બાપુનું ગામતરૂં છે.”

જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા. જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો.

જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટીયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટીયાની રાણી બેઠી છે કે જેણે પંદર પંદર વરસો થયાં ધણીનું મ્હોં જોયું નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે !

મહારાજે બહારવટીયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછો વાળો, હું એને બોલે બહારવટું પાર પાડું.”

ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં, ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યો,

“ભાઈયું ! હવે મડાને શા સારુ ઘરમાં લઈ જાવ છો !”

માર્ગે જસદણમાં મુકામ કરેલ છે, ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે. તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણ ભાઈઓનાં, દુઃખણાં લેવા આવે છે.”

“ભલે, પધારો ! ખુમાણોનાં મોટાં ભાગ્ય !”