પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સોરઠી બહારવટીયા:૨
 

ધરતી ન દૂભાય તેવાં ધીરાં ડગલાં દેતાં x [૧]વૃદ્ધ કાઠીઆણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છે : અંગ પર કાળું ઓઢણું છે: જોતાં જ જોગમાયા લાગે છે: મ્હોંમાંથી ફુલડાં ઝરે છે.

એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ ?”

“આ ફલાણા ! ફલાણા !” એમ જવાબ મળે છે અને આઈ દુ:ખણાં લ્યે છે. એમ કરતાં કરતાં આઈ બીજે છેડે પહોંચ્યાં. આઘેથી પૂછ્યું,

“આ કોણ ?”

“ઈ જોગીદાસ ખુમાણ"

“આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ ?”

આઈ એકી ટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટીયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઉંડાણમાંથી સૂરજ ! સૂરજ ! એવા ધ્વનિ ઉઠે છે. ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠીઆણીએ જાણે કે આબુથી ઉતરી આવેલા કોઈ જોગંદરને જોયો.

“આપા ! ” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા ! આઈ તમારાં દુ:ખણાં લેવા આવ્યાં છે.”

“ના બાપ !” આઈ બોલી ઉઠ્યાં, “એનાં દુ:ખણાં ન્હોય. એ માનવી નથી, દેવ છે. લખમણ જતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.”

છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટીયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નામાવ્યું.

જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મ્હોં આડે ફાળીયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણવાર


  1. xહમીર ખાચરનાં ઘઘાણી શાખાનાં ઘરવાળાં હોવાનું કહેવાય છે.