પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મને સાંપડેલાં આ વૃત્તાંત ઐતિહાસિક છે, અર્ધઐતિહાસિક છે, કે અનૈતિહાસિક છે, તે નિર્ણય પર પહોંચવા માટે કોઈ સરકારી દરબારી અથવા પ્રજાકીય દફતરો નથી. તેમજ એ બધાં કેવળ ચારણ ભાટનાં જ કહેલાં નથી. બહારવટીયાનાં સગાં સંબંધીઓ, પોલીસ અધિકારીઓ, ગ્રામ્ય પ્રજાજનો, ખુદ બહારવટામાં શામિલ થયેલાઓ, નજરે નજરના સાક્ષીઓ, વગેરે બન્યા તેટલા જૂજવા જૂજવા જાણકારોમાં ફરીને આ દોહન કર્યું છે. તેથી ઇતિહાસના અંધકારમાં અમૂક અંશે પણ હું આ સામગ્રીને માર્ગદર્શક માનું છું. અને તેનો આધાર લઈને હું બહારવટીયાનાં કૃત્યોની સાંગોપાગ છણાવટ કરવા માગું છું. એ છણાવટના મુદ્દા આ પ્રકારના રહેશે.

૧. ઈતર દેશોના તેમજ ઈતર પ્રાંતોના બહારવટીયા: તેની પ્રત્યે દેશવાસીઓનાં દિલસોજ વલણ : એ દિલસોજીનાં કારણો : બહારવટીયાનાં જીવન-વૃત્તાંતોનું યુરોપી સાહિત્યમાં ગુંથણ.

૨. આપણે ત્યાં બહારવટીયાનાં ઐતિહાસિક પુસ્તકો : કીનકેઈડ અને બેલનાં લખાણો પર સમાલોચના : અંગ્રેજ ઇતિહાસકારોની ઉપરછલીયા પ્રકૃતિ : રા. સા. ભગવાનલાલ સંપતરામનો વાઘેરોના બળવાનો સંગીન ઇતિહાસ.

૩. સોરઠી બહારવટીયાઓના વિભાગો : બહારવટે નીકળવાનાં કારણો. સત્તાના જૂલ્મો : નિરાશા : પોતે માનેલા અન્યાય સામે મરણીયો પડકાર.

૪. તેઓનાં સંકટ : એકલા હાથે અન્યાય સામે ઝૂઝવામાં કેટકેટલાં વર્ષોનું અડગ ધૈર્ય : બાળબચ્ચાંથી