પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૭૩
 


“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉ છું કે કુંડલા મને પોગ્યા. પણ પણ હવે મારૂં અંતર કુંડલા માથેથી ઉતરી ગયું છે. મારો બાપ મુવો તે દિ' મહારાજે મોટેરો દીકરો બનીને મુંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રહ્યો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે,

કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય !
આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત !

આ દુહે મને વ્હેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે “હે દાદાના પુત્ર ! તારા કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે ? હે આલણકા ! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય !” પણ એથી ઉલટો અરથ પણ નીકળે છે. માટે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ ! કુંડલા તો ભલે મહારાજને રહ્યું.”

“ત્યારે એક આંબરડી કબૂલ છે ?”

“હા બાપા ! અભરે ભર્યું ગામ.”

“બીજુ બગોયું.”

“એ પણ કબૂલ : સોના સરખું.”

“એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરૂ ને.”

"બરાબર.”

“આગરીઆ ને ભોકરવું આપા ભાણને.”

“વ્યાજબી.”

“ઠવી ને જેજાદ ભાઈ હીપા જસાનાં મજમુ. થયા રાજી ?”

“સત્તર આના."

“કાંઇ કોચવણ તો નથી રહી જતી ને આપા, ભાઈ ! જોજો હો ! જગત અમારી સોમી પેઢીએ પણ ભાવનગરને 'અધરમી' ન ભાખે.”