પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૭૫
 

તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદૂરો સામસામા યુદ્ધ ખેલી જાણ્યા.]

એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી 'વાહ કવિરાજ!' કહી મલકાય છે. જોગીદાસની સમવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે. ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :

તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે
(તે દિ) બીબડીયું બંગલે, (તુંને) જોવે જોગીદાસીઆ !

[હે જોગીદાસ ! તું જે દિવસ જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસ તને બીબીઓ મેાટા બંગલાની બારીએાના ચક્રમાંથી નયનો ભરી ભરી નિરખતી હતી.]

“સાંભળો આપાભાઈ ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં !” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટીયાને હસે છે. પણ બહારવટીયાના કાન જાણે ફુટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાં યે બેરખા જ ફેરવે છે. એટલું જ બોલે છે કે “સાચું બાપા ! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”

પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટીયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલવા લાગ્યા :

દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ !
ખળભળતી ખુમાણ, જમી જોગીદાસીઆ !

[હે પરજોના રાજા ! કાઠીઓની પૃથ્વી ખળભળીને નીચે પટકાઇ જવાની હતી, તેને દાન તથા શૌર્યના ટેકા દઈને તેંજ ટકાવી રાખી હે જોગીદાસ !]

જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી
ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.