પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સોરઠી બહારવટીયા : ૩
 

શરીર ગૌરવર્ણાં છે. કરચલીઆળી મુખમુદ્રામાંથી જૂના કાળની નાગરી ન્યાતની નમણાઈ અને જવાંમર્દી નીતરે છે.

“માજી ! હવે કેટલા દિવસ બાકી રહ્યા ?” બુઢ્ઢા વોળાવીઆએ ડોસીમાને રસ્તે પૂછ્યું.

“આજ છેલ્લો જ દિ' છે મિયાં ! આજ માતાજીની પાસે શિવપ્રસાદને છેલ્લી વાર પગે લગાડી આવીએ, એટલે મારી બાધા છૂટી જાશે. તમને બરાબર રોજા મહિનામાં જ રોજ રોજ પંથ કરાવવો પડ્યો છે ના, તે મારો તો જીવ બળે છે, મિયાં !”

“અરે, શું બોલો છો દાદી મા ? એમાં કયો મોટો પંથ પડી ગયો ? અને મારૂં ક્યાં એક પણ રોજું પડ્યું છે ? આપણે તો રોજ ભળકડે નીકળીએ છીએ ને દિ ઉગ્યે તો પાછાં પાટણ ભેળાં થઈ જઈએ છીએ. એટલે મારે તો સરગી કરવામાં અને રોજું ખોલવામાં કાંઈ યે નડતર થાતી નથી. બાકી ધરમ પાળવામાં તકલીફ તો પહેલી જ હોય ને ? તમે જુઓને, આટલી અવસ્થાએ : સુંવાળાં માણસ : ઓઝલ પડદો પાળનારાં : તોય બેટાની સાટું બાધા રાખી રોજ પગપાળાં બે ત્રણ ગાઉની ગીર વીંધી શીતળાજીને જુવારવા આવો છો ! આસ્થા કાંઈ રસ્તામાં પડી છે દાદી મા ?”

“આસ્થા તો શું ભાઈ ? એ તો ઓલાદના એવા મોહ કુદરતે કરી મેલ્યા છે ને મિયાં !”

આવી વાતો થાય છે. હેરણ્ય નદી ગાજતી ગાજતી નજીક ને નજીક આવતી જાય છે, શીતળા માતાની દેરીની ધજા દેખાવા લાગી છે. અંદર દીપડા પડ્યા હોય એવી વંકી જગ્યા વીંટળાઈ વળી છે. એમાં એક ઘોડેસવાર આડો ફરીને ઉભો રહ્યો. હાથમાં બંદૂક હતી તે વોળાવીઆ તરફ તાકીને બુઢ્ઢાં બાઈને કહ્યું “પગનાં કડલાં કાઢી નાખો.”

બુઢ્ઢો વોળાવીઓ મિયાં ધસીને વચ્ચે આવ્યો. બંદૂક ખભે ચડાવી. ઝીણી આંખે તાકીને પૂછ્યું “કોણ જહાંગીરો કે ?”