પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૩૯
 

“હા, ફરજલ્લા મિયાં ! હું જહાંગીરો. તમે કોરે ખસી જાવ. તમે સૈયદ છો.”

“હું ખસી જાઉં ? હું સૈયદબચ્ચો ખસી જાઉં, ને તું મારા ધણી દેસાઇની માનાં કડલાં ઉપર હાથ નાખ ?”

“મિયાં ? તમે સૈયદ છે. માગો, તો જાવા દઉં.” બહારવટીઓ બોલ્યો.

“ના ના, બચ્ચા ! હું માગવા નથી નીકળ્યો: ઢાલ તલવાર બાંધીને આવ્યો છું. હું ઉદેશંકર દેશાઈનો ચાકર. વાસ્તે જહાંગીરા, માટી થા !” બુઢ્ઢાએ બંદૂક છાતીએ ચડાવી.

બેટા સોતાં માજીએ આડા ફરીને પોતાના નેકીદાર નોકરને કહ્યું “મિયાં ! તમે રેવા દ્યો. આજ ઈદ જેવા મોટા દિવસે મારાં બે કોડીનાં કડલાં સાટુ સૈયદના દીકરા મરે, તો મારે દુનિયામાં જીવવું ભારી થઈ પડે.”

“અરે શું બોલો છો માજી !” મિયાંના મ્હોં ઉપર બોંતેર વરસની નમકહલાલી તરવરી આવી: “બે દોકડાનો જહાંગીરો માજીનાં કડલાં કાઢી જાય તો મેં ત્રીસ વરસનું ખાધેલું નીમક આજ ઈદને દાડે ધૂળ મળી જાય ને ?”

માજીની આંખોમાં જળજળિયાં આવી ગયાં. લૂંટારાની સામે જોઈને માજીએ પોતાના બોખલા મ્હેાંમાંથી મોતીના દાણા જેવાં વેણ પડતાં મૂક્યાં : “જહાંગીરા ! તું યે મુસલમાનનો દીકરો છો. આજને દિવસ મિયાંનું વચન રાખ. નીકર મારાં ધોળાં લાજશે.”

જહાંગીરો પીગળતો લાગ્યો. એટલે ચતુર નાગરાણીએ આગળ ચલાવ્યું: “જો દીકરા, ચાલતો થા ! કડલાં હું તને કાલે દઈ મેલીશ. તું મારા પાટણનો રહીશ. તારે માથે વસમા દિ' આવ્યા છે એ અમે જાણીએ છીએ, બેમાંથી હું કોઈને નહિ મરવા દઉં. જા, હું દેશાઈ કુળમાં પાકી છું. બોલ્યું નહિ ફરૂં.”

જહાંગીરાને પૂરી એાળખાણ પડી ગઈ. બહારવટીયો બહુ ભોંઠો પડ્યો. મુંગો મુંગો ઘોડી વાળીને ચાલ્યો ગયો. આ