પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સોરઠી બહારવટીયા : ૩
 


ગીગાને ગંધ પણ નહિ કે સંધી કોના ઉપર તેડી જાય છે. આખી ટોળી ગીરના એક નેસડા ઉપર આવી પહોંચી. ગીગાએ માન્યું કે નેસ આયરનો કાં રબારીનો હશે, કાળી રાતે લૂંટ માંડી. અને કાળો કળેળાટ બોલ્યો. પોતે લુંટે છે ત્યાં કાને અવાજ પડ્યા કે “એ આપા ગીગા ! અમારે માથે ! ગાયું ને માથે ? તું ને આંહી કોણ તારો કાળ તેડી લાવ્યો ?”

ગીગાએ મીટ માંડી લોબડીઆળી ચારણ્યો દીઠી. પૂછ્યું,

“તમે કોણ છો ?”

“અમે તારાં કળોયાં, બાપ ! અમે ચારણ્યું.”

ગીગાને ભાન આવ્યું. હાકલ પાડી કે "આપણને છેતરનાર ઓલ્યા સંધીને ઝાલજો ભાઈ.”

પણ સંધી તો ગીગાને પાપમાં ધકેલીને ભાગી નીકળ્યો હતો.

“તુને તારો કાળ તેડી આવ્યો !” એ વચન ગીગાના માથામાં ગાજતું હતું. કાળી રાતને અંધારે પણ પોતાનું કાળું પાપ જાણે એને નજરોનજર તરવરતું દેખાણું. લુંટનો ઢગલો ગીગાએ પાછો મૂકાવ્યો. હાથ જોડીને બોલ્યો “આઈયું ! તમે મને શરાપ્યો. હવે મને માફી આપો.”

“બાપ ! વિસામા !” ચારણ્યો બોલી, “અમે મૂઠ્ય થોડી નાખી છે તે વાળી લઈએ ? અમારી તો આંતરડી બોલી છે. અમે બીજુ કાંઈ નથી જાણતાં.”

“ઠીક આઈયું ! તો પછી આ મારાં હથીઆર તમારે પગે ધરૂં છું. હવે તો તમે તમારે હાથે બંધાવો તો જ બાંધવાં છે.”

“ના ના ના, અમે કોઈનાં હથીઆર ન છોડાવીએ મારા વીર ! મહા પાપમાં પડીએ. લઈ જા તારાં પાછાં.”

એમ કહીને ચારણીએ પોતાને હાથે ગીગાને હથીઆર બંધાવ્યાં અને કહ્યું “ગીગા, આટલું એક નીમ રાખજે. એક મહિના સુધી ગામતરે ચડીશ મા. મહિના પછી તેર ચારણ્ય કુંવારકાને જમાડજે. જોગમાયા તારાં રખવાળાં કરશે.”