પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સોરઠી બહારવટીયા : ૩
 

મેં કહ્યું કે “સાહેબ, એવું કાંઈ જ નથી.”

ડાહ્યા, ધીરા અને ગરવા મ્હોંવાળા કાદરબક્ષે અદબથી કહ્યું: “બડા ભાઈ : એ વાત તો સાચી છે. તે દિવસ આપણા બનેવી લશ્કરાન સાથે કજીયો થયો, તેની તપાસ કરવા આસીસ્ટંટ પોલીસ ઉપરી હોરમસજી કોઠાવાળા આવ્યા તેને આપણે ઈણાજમાં ક્યાં આવવા દીધા હતા ? ગામને ઝાંપે આપણે ભરી બંદૂકે વિલાયતીઓનો પહેરો બેસાર્યો હતો.”

અલીમહમદે ખામોશથી કહ્યું “તમારી એ વાત સાચી છે ભાઈ કાદરબક્ષ! આપણી એ કસર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર ! પણ હવે તો મને દિવાને હુકમ દીધે છે કે “કાલ સવાર સુધીમાં હથીઆર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.” [૧]હું જવાબ દઈને આવતો રહ્યોછું કે “ મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.” મને ચેતવણી આપેલી છે કે “કાલ સવાર સુધીમાં 'હા ના'નો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તે અમે ઈણાજને ફુંકી દેવા ફોજ મોકલશું.” હવે બેાલો ભાઈ, હથીઆર અને ઈણાજ છોડવાની હા કહેતા હો, તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.”

“તમારી ખુદની શી મતલબ છે બડા ભાઈ !”

“હું તો હથીઆર નહિ છોડી શકું. હથીઆર તો મને મારા જાનથી જ્યાદે પ્યારાં છે. એટલે હું આંહી ઘરઆંગણે બેઠો બેઠા મારી ઈજ્જત માટે મરીશ.”

“અમે પણ સાથે મરશું” સહુએ અવાજ દીધો.


  1. *કહેવાય છે કે અલીમહમદ વેરાવળ અને પ્રભાસપાટણમાં પોતાનાં સગાંસાંઈ અને દોસ્ત આશનાને છેલ્લી વાર ભેટી લઈને જ ઇણાજ આવેલ હતો ને ત્યાં રાતે દાલ પુલાવ રાંધી, દીકરા દીકરીઓનાં લગ્ન કર્યા હતાં અને જાફરાન (કેસર) છાંટી લીધું હતું.