પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૫૯
 


“હું તમને કાંઈ કહેતો નથી ભાઈ ! મારે આંહી લડાઈ કરવી નથી. મારે જૂનાગઢ જીતવું નથી. મારે તો ઈજ્જત માટે મરવું છે. તમારાં બાલબચ્ચાં વાસ્તે તમે ખુશીથી જીવો.”

“મોટા ભાઈ !” કાદરબક્ષની આંખોમાં પાણી આવી ગયાં; “આજ સુધી હું તમને સહુને વારતો આવ્યો છું. તમારી બધાની ગરમીને હું ઠંડી પાડવા મહેનત કરતો આવ્યો છું. તમે બધા મને પોચો ને કમજોર કહેતા. ખેર ! મારા એ દિવસો ગયા. હવે તો બાલબચ્ચાંની પરવા નથી – હવે તો હું દુઃખમાં તમારી સાથે શરીક થાઉં છું.”

“તો ભલે. હું આજ રોજું રહ્યો છું તેમ તમે પણ રહો. કુરાનના દોર કરો. હમણે ફોજ આવી સમજજો. ભેળા માણેકવાડાથી એજન્સીના પોલીટીકલ એજન્ટ સ્કૉટ સાહેબ પણ ૫૦૦-૭૦૦ની પલટન તેમજ તોપ લઈ આવવાના છે, માટે દિલને તૈયાર કરો.”

નાનકડા ઇણાજ ગામની અંદર તે દિવસ આવો મામલો મચેલો હતો. ગામ જાણે કબ્રસ્તાન હતું ને માણસો જાણે પ્રેતો હતાં. વેરાવળમાં વાટ જોઈ જોઈને જ્યારે ઈણાજનો કોઈ આદમી કળાયો નહિ, ત્યારે ઠરાવેલે સમયે નવાબી સૈન્ય કૂચ કરી ચૂક્યું હતું. આંહી કુરાનના દોર પડાતા હતા, ને ત્યાં રસ્તા પર ફોજનાં પગલાં પડતાં હતાં. દારૂગોળો ઓરો ને ઓરો આવતો હતો.

ફોજ આવી. વેરાવળ અને ઈણાજ વચ્ચેના 'ઉંડા કુવા' પાસે રોકાણી. ત્યાંથી જુનાગઢવાળા જમાદાર નજરમહમદ તથા દિલમુરાદને અને સાથે માણેકવાડાના પ્રાંત સાહેબના એક જમાદારને, ત્રણ જણાને છેલ્લી વાર સમજૂતી કરવા ઇણાજ મોકલ્યા. ત્રણે આવીને જમાદાર અલીમહમદ સન્મુખ ઉભા રહ્યા. ત્રણેએ બધી વાત કહી સમજાવ્યું કે “નહિ માનો તો થોડી જ વારમાં ઇણાજ ગામ ઉપર ચૂડેલો રાસડા લેશે.” એ બધી વાત સાંભળીને જમાદાર અલીમહમદ બોલ્યાઃ