પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૬૫
 


આ દીનાર એકલો એકલો આંહી આંબલી ઉપર ક્યાંથી ? વહેલો ઉઠીને એ તો સીમમાં આંટો દેવા ગએલો. પણ પાછો વળે તે પહેલાં તો ફોજ આવી પહોંચેલી. દીનાર ગામમાં ન જઈ શક્યો. એટલે આંબલી પર ચડીને એકલે હાથે લડ્યો.

ઘાયલ થઇને ઘરમાં પડેલા જુવાન અબ્દ રહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી ? એનું કાંડુ લબડી પડ્યું હતું. દાકતર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું “મલમપટ્ટા બાંધના યાદ હે, તો બાંધો, ખટખટ મત કરો ! સીસી નહિ મંગતા !” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપીઆથી ખેંચીને બાંધ્યા, ત્યારે આ ચૈાદ વરસના બાળકે સીસકારો ય નહોતો કર્યો.[૧]*

રાત પડી. પણ ગામનો કબ્જો સાચવવા કોઈ કબૂલ થાતું નથી. આખરે જગતસિંહ કરીને એક સિખ સિપાહી અને એની, હિમ્મતે બે બીજા મળીને રાત રહ્યા. ઇણાજ ગામ પર લશ્કરી પહેરો બેઠો. કાદુ, અલાદાદ, દીનમહમદ, ફકીરમહમદ અને કાજી વિલાયતી, એમ પાંચ જણા રાતના અંધારામાં પાછા આવ્યા


  1. **ઇણાજની લડાઇમાં અવલથી આખર સુધી હાજર રહેનાર દેસાઈ હરિભાઈ, પોતાનાં છોકરાં ગૂમડાં ફોડાવતાં પણ રૂવે ત્યારે આ કથા કહી તેઓને છાનાં રાખતા.
    આજે એ અબદુરહેમાન અંગ્રેજી ભાષા જાણે છે, ગામડામાં બેસી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનાં ગૂઢ તત્ત્વોનો અભ્યાસ કરે છે. જુઓ તો જણાય જ નહિ કે આ એ જ અબ્દરહેમાન. તેની સાથેનો બીજો વીર બાલક ગુલમહમદ સનવાવવાળો. એણે આ ધીંગાણામા શો ભાગ ભજવ્યો તે તો ખબર પડતી નથી. પણ એ બન્નેએ જેલમાં બેસી જન્મકેદમાં રહ્યે રહ્યે અનેક કેદીઓને સુધાર્યા, માર્ગે ચડાવ્યા, ને આખરે જે દિવસ તેએાની પણ બેડીઓ પણ તૂટી, તે દિવસ આખી કાઠિયાવાડ રાજી થએલ.