પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સોરઠી બહારવટીયા : ૩
 


આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. ધોંસીલા દિવાને હૂકમ છોડ્યો કે “રસાલાના બે સવાર અમરાપર મોકલો તે એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે.”

સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમજ કાંટીઆ વર્ણના માણસોના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દિવાનને પડખે પ્રભાસ પાટણવાળા ખાનબહાદૂર સૈયદ અલવી અલ એદ્રુસ- જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો – તે બેઠેલા. એણે ઉઘાડા ઉઠીને કહ્યું “રાવ સાહેબ, આ આપ વિપરિત વાત કરો છો હો ! આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થાવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે પણ ચુપ બેઠા છે. અને ઇન્શાઅલ્લાહ થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે, માટે રાવ સાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.”

“ના ના, ખાનબહાદુર !” દિવાને ટાઢોબોળ જવાબ દીધો: “એમ કર્યા વગર છુટકારો નથી."

આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઉભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાન બહાદર અલ્વીએ દર્દભર્યા અવાજે દિવાનને કહ્યું કે “રાવ સાહેબ, તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી કરી રાખજો અને ગીસ્તોની ભરતી પણ કરવા માંડજો ! કેમકે હવે આપ સૂતા સાંપ જગાડો છો.”

દિવાન હરિદાસ સ્હેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સુનસાન બેઠી રહી.