પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૬૯
 


મરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે, એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાનાં તકદીર પર વિચાર ચલાવે છે. ગઈ કાલનો એ શાહૂકાર આજે ચોર બન્યો હતો. કાદરબક્ષ તો અમરાપરનો ખેડૂ હતો. પસાયતો હતો. એ બહાદૂરે સાવઝનાં બે જીવતાં બચ્ચાં ઝાલીને નવાબને ભેટ કરેલાં. તેના બદલામાં નવાબે એને અમરાપરમાં બે સાંતી ( ૪૦ એકર ) જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો. એ અભણ જમાનામાં પોતે ભણેલો: મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણે : એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી : એની અદબ મરજાદ એક અમીરજાદાને શોભે તેવી : નીતિ અને નમકહલાલીને રંગે પૂરેપૂરો રંગાએલો : અને ઇણાજ વાળા સગાઓને હમેશાં ખામોશના બોલ કહેનારો એવો સુલેહસંપીને ચાહનારો કાદરબક્ષ, વાઘેર દાયરામાં જોધા માણેકની માફક આ ઇણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને 'કમજોર' કહીને ટોણાં દેતા. એજ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આજ ભાઈઓના દુ:ખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધુ હતું.

એકલો બેસીને એ શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું ? નીમકહરામ થઈને જુનાગઢ સામે લડી મરવું, કે મકરાણમાં ઉતરી જવું ! મરીને શું કમાવું છે ? નામોશી ! અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે ?