પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સોરઠી બહારવટીયા : ૩
 

બરાબર તે વખતે આબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પિરસીને એણે કાદુને કહ્યું “કાકા બાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો.”

“કેમ બચ્ચા ?” કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું.

“નવાબ સાહેબની ફોજ આવી છે, અને અમને બધાંને લઈ જાય છે."

“તમને બધાંને એટલે કોને ?” કાદુ ટાંપી રહ્યો.

“મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને.”

“એારતોને ? બચ્ચાંને ? ગુન્હો તો અમે કર્યો છે, તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે ?”

કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે !

છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરની બે સાંતી જમીન ખેડનાર ખેડુ એ સળગતા બપોરની માફક ભીતરમાં સળગી ઉઠી ખુની બનતો હતો.

“બેટી ! ભાત પાછું લઈ જા !” એમ કહીને કાદુએ એંઠો હાથ ધોઈ નાખ્યો. ખાધું નહિ.

પ્રભાસપાટણની આ બાજુ ભાલપરૂં ગામ છે. એ ભાલપરાની નદીના બેકડમાં કાદુ બંદૂક ભરીને બેસી ગયા. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળીઆ બળદની જોડ પણ એાળખી. પાછળ બે રસાલા-સવારો પણ ચોકી કરતા જાય છે. ખાત્રી થઈ ચૂકી : એ તો એ જ.

[૧]નાળ્ય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો. એક ગોળીને એક સવાર ઉડ્યો. બીજી ગોળી ને બીજો પટકાયો.


  1. *બીજા પક્ષનું કહેવું એમ છે કે કાદુએ આડા ફરી, સામા જઈ, સમજાવી, પડકારી, સામી છાતીએ ધીંગાણું કરેલું.