પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૭૧
 


અસ્વારને પડતા દેખીને કાદુએ હડી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુવે ત્યાં જુવાન એાળખાયો : એ હતો બડામિયાં સૈયદ : હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો. એના હાથ વાંદ્યા અને આજીજી કરી કહ્યું “ બડામિયાં ! તું સૈયદ. મેં તારો જાન લીધો. પણ હું શું કરૂં ? મારાં બાલબચ્ચાંને આમ બેગુન્હે કેદી બનતાં મારાથી ન જોઈ શકાણાં. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ ?”

છેલ્લા દમ ખેંચતો બડામિયાં બોલ્યો “ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે ? એ તો મુકદ્દર !” એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યા.

પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ એાળખ્યો. પોતાનો નાતા વાળો જુવાન કબીરખાં ! પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનો યે નીકળી ગયો હતો.

રૂપાળી નીલૂડી નાઘેર: એથી યે રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠો : મહારાજ મેર બેસવાની રૂપાળી વેળા : સરસ્વતીનાં નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છે: એવે ટાણે, દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ, એક સૈયદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઉભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શરમને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે.

બાલબચ્ચાંને તેડી બહારવટીયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાંને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યાં. તે પછી કહેવાય છે કે કોડીનાર પાસે મૂળ દ્વારકાથી મછવામાં બેસારી બચ્ચાંને મકરાણ ભેગાં કરી દીધાં. એના દિલનું ઉંડામાં ઉડું ખુન્નસ ઉછળી આવ્યું હતું. ભેળા પાંચ ભાઈભત્રીજાનો સાથ હતો. વેર લેવા જતાં એણે વિવેકને વિસારી દીધો.