પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૭૩
 

તો ક્યારના યે પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી, ને દીવાને ઝાંખે અજવાળે એનાં અંગ ઉપર પીળું ધમરક સોનું ચળકતું હતું.

કાદરબક્ષ ઓસરીએ ઉભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડી ને કાદુની નજર ખેંચાણી. તૂર્ત એણે ભયંકર અવાજ દીધો “હો વલાતી ! ખબરદાર !”

એક સંગાથીએ એ એકલવાયી વણિક-કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટીએ એને 'હો વલાતી !' એટલે કે 'ઓ મકરાણી !' કહી બોલાવ્યો, કેમકે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ.

કાદુ ઘરના બારણા પર ધસ્યો ને એણે સોબતીને હુકમ કર્યો કે “બહાર આવ !”

ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટીઆની સામે ઉભો રહ્યો.

“બેટા ડરીશ ના ! તારું ઘર નહિ લૂંટીએ. તું તારે ચાલી જા !”

એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુન્હેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઊતરતી હતી. “ચલો ગામ બહાર !” કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો. પોતે ફરીવાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઉભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા. ગામ બહાર જઈને એણે એ અપરાધી ખાટસવાદીઆ સામે કરડી આંખો કાઢી કહ્યું : “બહારવટાની અંદર કાદરબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન અને મોટેરી એટલીને મા ગણી ચાલે છે. કાદરબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આંહી પડી ન રખાય,