પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સોરઠી બહારવટીયા : ૩
 

અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા ! આ લે તારી ખરચીના પૈસા !”

પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો.

દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢડા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પુરબીઆ જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નહાવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટીયાને પડકાર્યા કે “કોન તુમ !”

કાદુએ જવાબ આપ્યો “હમ ગીસ્તવાલા. જલ્દી બંદોબસ્ત કરો.”

એમ ખોટું બોલી, શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી લાલસિંહને પણ ઠાર કર્યો. ત્રણ વાણીઆ ને એક ખોજો, ચારેને લૂંટી ચાલ્યો ગયો.

ઉંબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગીસ્તની સાથે બહુ હળતો ભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું.

હસનાપૂર ભાંગ્યું. ત્યાંના સંધી તૈબને પકડીને હાજર કર્યોઃ કહ્યું કે “તૈબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વ્હાલા હતા. લે, એ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ.”

એમ કહીને તૈબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી, સીમાડાની લીંટીઓ દોરી.

સવની, ઈસવરીયું ને મોરાજ, ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી.

પસનાવડા ભાંગ્યું. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો