પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૭૫
 

કે “કાદુ બીજે બોડકીયુંમાં ફરે છે, પણ આંહી શીંગાળીયુંમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરૂં પડે.”

આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી.

“ઓહો ! પટેલ સામે ચાલીને તેડાં મોકલે છે, ત્યારે તો ચલો ભાઈ !”

એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે “ભાગેગા તો હમ ગોલીસે ઠાર કરેગા. રહેગા તો મોજસે રખેગા.” પટેલ શાણો, એટલે સમય વર્તીં ગયો. ન ભાગ્યો. એને બહારવટીયો છૂટથી રાખતો, અને બરાબર રોટલા ખાવા દેતો.

લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડીઆ રજપૂતને ખોરડે પઠો. મરદ લોકો પોબારાં ગણી ગએલ. બહારવટીયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઉંઘમાંથી બેબાકળી ઉઠી. એના અંગ ઉપર લૂગડાનું ભાન ન રહ્યું, ભાળતાં જ કાદુ પીઠ કરીને ઉભો રહ્યો. ઉભીને પાછળ થર થર ધ્રુજતી અરધ નગ્ન ઓરતને કહ્યું “બેન, તારાં લૂગડાં સાચવી લે. હું તારી અદબ કરીને ઉભો છું. બીશ મા બેટી !”

પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી, એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો, કહતો ગયો કે “બેટી, તારા ખોરડાનું કમાડ વાસી દે.” સાથીઓને કહ્યું કે “આ ઘર નથી લૂંટવું. ચાલો.”

એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરનાં માણસો ઉંઘતાં હતાં. બારી બારણાં ખેડવી શકાય તેવાં સહેલાં નહોતાં. કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડા ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંદરમાં સ્ત્રી પુરૂષને એક સેજની અંદર સૂતેલાં દેખ્યાં, જોતાં જ પાછો ફરી ગયો.