પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સોરઠી બહારવટીયા : ૩
 


બીજા દિવસની રાત : અંધારૂં ઘોર : અને ગિરની ખપ્પર જોગણી શી હેરણ્ય નદીનો ભેંકાર કિનારો : બરાબર ઠેરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જેકસન બીન હથીઆરે પોતાના રોજના ભેરૂ એક તમંચાને ૫ણ ત્યજીને એકલો આવ્યો. આવીને ઉભા રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો, હીરા જેવી ચમકતી ચમકતી, એારી ને આઘી કાદુને ગોતતી હતી. થોડીવાર આમ તો થોડી વાર તેમ, કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ તીખારા ઝગતા હતા. હવામાં ખુણે ખુણેથી ઝીણી સીસોટી વાગતી હતી. પણ કોઈ માનવી નહોતું. થોડીવારે ખંભે ગોબો નાંખીને એક આદમી આવ્યો. જેકસને પડકાર્યો “કૌન હૈ ?”

“રબારી છું બાપા !” સામેથી જવાબ મળ્યો.

“આંહી કોઈ સિપાહી દેખ્યો ?”

“હા, હું એને ખબર દઉં છું, તમે આંહી બેસો.”

રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદરબક્ષ હાજર થયો. અવાજ દીધો કે “સલામ જેકસન સાબ !”

“સલામ તમને કાદરબક્ષ ! હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળ મળી છે. નવાબને ઘણું સમજાવ્યા. મુંબઈ સરકારની મારફત સમજાવ્યા. પણ નવાબ કહે છે કે મારી રીયાસતમાં પાંચ કોમો પડી છે : મકરાણી, મહીયા, કાઠી, આહીર અને હાટી : હું આજ પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ એ પાંચે કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો.”

“જેકસન સાબ ! આવો જવાબ આપવા આવવાની તમે હિમ્મત કરી ?”

“કેમ નહિ ? મેં તને કોલ આપ્યો હતો.”

“એકલા આવવાની હિમ્મત કરી ?”

“એમાં શું ? તું સાચો મર્દ છે તે એળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો.”