પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૮૫
 

હલમલાવતો જોયો. કાદુની વીરતા ઉપર જીવતર ઓવારી નાખવાનું નીમ લઈને એ બેઠી હતી. બહારવટીયો એના બાપને ઘેરે કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો. ફાતમાએ એને કમાડની તરડમાંથી વારે વારે નિરખ્યો હતો. આખરે એક વાર તો એણે હામ ભીડીને કાદુની મોઢામોઢ થવાનો મોકો લીધો. બાપ બહાર ગયો હતો. મા આઘી પાછી થઈ હતી. કાદુના સાથીડા પણ બીજા ઓરડામાં ઉંઘતા હતા. તે વખતે ફાતમા પોતાની ભાતીગળ ઈજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવરણી પાનીઓ માંડતી, ઘેરદાર કુડતાનાં ફૂલણ-ઝૂલણને સંકોડતી, પીળી ઓઢણીના પાલવ લપેટીને હૈયું છુપાવતી આવી ઉભી રહી. બહારવટીઆના સરવા કાને એનો હળવો, હવાની લ્હેરખી જેવો સંચળ પણ સાંભળ્યો. કાંધરોટો દઈને એણે એ આવનાર તરફ નજર કરી. ઓરત દેખીને પાછો નેણ નીચાં નમાવી ગયો. તરવારની મૂઠ ઉપરની કોટી થોડી વાર બાંધવા ને થોડી વાર છોડવા લાગ્યો.

જ્યારે કાદુએ બીજી વાર પણ સામે ય ન જેવું ત્યારે ફાતમાથી છેવટે ન સહેવાણું. એણે જોર કરીને કમાડ ઝાલ્યું. પછી બોલી:

“જમાદાર ! એક વાર ઉંચે જોશો ?”

“શું છે ?” કાદુએ ત્રાંસી આંખે નજર ઠેરવી.

“મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહિ જાઓ ? ”

“ક્યાં તેડી જાઉં ? દોઝખમાં ? હું તો મોતને માર્ગે છું. તું બેવકૂફ ઓરત, આંહી કાં આવી ?”

“દોઝખમાં ય તમારી સાથે આવીશ, કાદરબક્ષ ! મને લઇ જાઓ. હું જાણું છું કે તમે તમારા જાન હાથમાં લઈ ફરો છો. હું પણ મારો જાન તમારા હાથમાં આપીશ.”

“બાઈ, તું આંહીંથી ચાલી જા. મારાં બાળબચ્ચાં મકરાણમાં જીવતાં છે ને હું આજ બહારવટે છું. મારું એ કામ નથી. મારાથી નેકીનો રાહ ન ચૂકાય. અમે તારા બાપનો આશરો લઈએ છીએ. એટલે તું તો મારી બેન થા.”