પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સોરઠી બહારવટીયા : ૩
 


ફાતમાએ પોતાના પાલવમાં એક તલવાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કાદરબક્ષ ! આ તરવાર મારા તરફની સોગાદ સમજીને લેશો ? હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં મારી તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.”

“ના, ના, અમારે તરવારો ઘણી છે બાઈ ! તું અહીંથી ચાલી જા !”

એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.[૧]

ગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું મોત થયું. સરસ્વતી નદીને કાંઠે, કરમડીના કૂવા પાસે બહારવટીયા બેઠા બેઠા લૂંટનું સોનું રૂપું દાટતા હતા તેમાં ગીસ્ત પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદુક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબાકર ભાગ્યો. એની પાછળ ગીસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટીઆને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.”


  1. *આવો જ પ્રસંગ બીજા નામઠામ સાથે મળેલ છે :- જીલાળા ગામના સીદી નામે મકરાણીને ઘેર કાદુ આશરો લેતા. એ સીદી મકરાણીને જુમ્મન નામની દીકરી હતી. એ જુમ્મન સરસ્વતી નદીને કાંઠે પાડવની દેરી અને ભીમના દેવળ પાસે કાદુને મળેલી : અને એણે બહારવટીયાના પ્યારની માગણી કરેલી. બહારવટીએ એને બહેન કહી, એના પિતા પાસે જઇ, આ વાતમાં પિતા કોઈ ખૂટામણની વૃત્તિથી શામિલ હશે તેવો શક લાવીને કહ્યું કે “તારે મારે આજથી છેલ્લા સલામ આલેકુમ છે.” એટલું કહીને બહારવટીયો ચાલ્યો ગયેલો. હકીકત આમ નથી, પણ આગળ કહી તેમ જ છે, એવી ખાત્રી પ્રત્યક્ષ પૂરાવા આપનાર એક વ્યક્તિ તરફથી મળી છે.