પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૮૭
 


સાંજનાં અંધારાં ઘેરાતાં હતાં. તેમાં અવાજ પરથી બહારવટીએ પોતાના જાતભાઈને ઓળખ્યા, “કોણ વલીમામદ વીસાવદરવાળો ? જેની ડોશી અમારી સામે બંદુક લઈને ઉઠતી'તી એ જ તું ભાઈ ?”

“એ જ હું. એ જ ડોશીનું દૂધ ધાવેલો હું. હવે હુશીઆર થા કાદરબક્ષ !”

અબાબકર પાછો ફર્યો. હથીઆર તો નહોતું. પછી પત્થર ઉપાડ્યો. ત્યાં તો જુવાન વલીમામદે પણ પોતાના ગુરૂના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ, બંદૂક છાતીએ ચડાવી. આંહીથી બંદૂકની ગોળી છુટી ને ત્યાંથી પત્થર છૂટ્યો. ગોળી અબાબકરના સાથળમાં વાગી ને બંદૂક પત્થરના ઘાયે તૂટી, પછી વલીમામદ તલવાર લઈને ઠેક્યો. અબાબકર પડ્યો. તલવારના પણ બે કટકા થઈ ગયા. પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઉભા થઇ રહ્યો. મરતો મરતો દુશ્મન બોલ્યો:

“રંગ છે વલીમામદ !”

“રંગ છે તને પણ ભાઇ ! તું કુરાનેશરીફ છો. તને પાણી દઉં?”

“ના, ના, હવે પાણી ન જોઈએ.”

કાદુ તો નાસી ગયો હતો. ગીસ્ત અબાબકરના શબને ઉપાડી જુનાગઢ લઈ ગઈ. નવાબે પૂછ્યું,

“વલીમામદ, ઈસકુ કીને મારા ?”

“મેંને નહિ, આપકા નીમકને.”

“ઇસ્કુ ક્યા કરના ?”

“નામવર, દફન કરના.”

કાદરબક્ષે જ્યારે આ વાત સાંભળી, ત્યારે એ બોલ્યો હતો કે “મારૂં મોત પણ મારા ભાઈને હાથે જ થાજો કે જેથી મને મુવા પછી મુસલમીનની રીતે અવલ મંજિલ પહોંચાડે !”