પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
સોરઠી બહારવટીયા : ૩
 


કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પિરસ્યો. ફકીરે ખાઇ લીધું. પછી એણે બાઈ સામે જોઈને જરા મ્હોં મલકાવી કહ્યું કે “બેન ! વાત પેટમાં રેશે?”

“હા બાપા, શા સારૂ નહિ ?”

“તું બ્હીશ તો નહિ ને ?”

“ના...ના...” બાઈ જરાક ખચકાણી.

“હું કાદુ છું.”

“તમે કાદુ !!!” બાઈની છાતી બેસી ગઈ.

“પણ તું બ્હી મા ! તું મારી બેન છે. સાંભળ. આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ. ગામ લૂંટશું, પણ તારૂં ઘર નહિ લૂંટીએ. હું એકલો નહિ હોઉં, મારી ભેળા બીજા ઝાઝા જણ હશે. ને હું પોતે લૂંટ કરવા નહિ નીકળું. હું ચોકમાં બેસીશ. એટલે મારા જણ તારૂં ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરૂં છું.”

થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો : “જો બેન, તું તારા ઘરને ટોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારૂં ઘર એાળખશે. દીવા બરાબર મેલજે. ભૂલતી નહિ. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે.”

“એને ખાવાનું કેમ થાશે બાપુ ?” બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું.

“હવે જે થાય તે ખરી.”

“ના, એમ નહિ. તમે ઓતરાદી દૃશ્યને માટે મારગે ખીજડીવાળી વાવને એાલે થડ ઉભા રેજો. હું હમણાં ભાત લઈને આવું છું.”

કાદુ ગયો. બાઈએ દસ જણની રસોઈ કરી. ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે તે