પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સોરઠી બહારવટીયા : ૩
 

પણ તેની સાથે જ હતો. કાદુ પોતે પણ અલાદાદની સાથે અમદાવાદ થઈને રેલ્વે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ છવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવીના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઉંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે ઝલાઈ ગયો.

"ભાઈ ઉંટવાળા ! સોન મિયાણીનું શું ભાડું લઈશ ?”

“દસ રૂપીઆ.”

“દસ નહિ. વીસ આપીશ. પણ જલ્દી ચાલ. મારે હીંગળાજ પરસવા વ્હેલું પોગવું છે.”

ઉંટવાળો ચલમના ધુંવાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કચાશ નહોતી, પણ આવું જાજરમાન શરીર ને આવું કરડું મ્હોં બાવાને ન હોય.”

કરાંચીના એ દુત્તા ઉંટવાળાએ પોતાનું અંતર કળાવા દીધા સિવાય કહ્યું “હાલો, આમ આગળ. હું મારા ભાઈને મોઢે થઈ લઉં, પછી ઉંટ હાંકી મૂકીએ.”

ઉંટ દોરીને આગળ ચાલ્યા. થોડેક આધે પોલીસ-ચોકી પર જઈને ઉંટવાળાએ પોતાની એાળખાણવાળા નાયકને છાની વાત કહી, ત્રાંસી આંખે બાવો દેખાડ્યો: કહ્યું “આ કાદુ, જુનાગઢ વાળો. ઇનામ લેવું હોય તો એને ઝાલો ઝટ.”

બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ ! દઈને છરી ખેંચી. દોડીને ઉંટવાળાને હલાવી ઠાર કર્યો. નાયક સામે થયો એને માર્યો, ને પછી મરણીયો થઈ કરાંચીની ભર બજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યો. આખરે સામેથી એક મજૂરનું ટોળું છુટીને ચાલ્યું આવતું હતું તેણે પત્થરો મારીને ગુન્હેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો. એને પૂછવા લાગ્યા “તારા સાથીઓ ક્યાં છે ?”