પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૯૯
 

જવાબ મળ્યો “મરણીયા ભાગ્યા તે ભેળા રહેતા હશે ભાઈ ?”

બહુ દબાણ કર્યું પણ કાદુ ન માન્યો. કરાંચીની બજારમાં કરેલાં ત્રણ ખૂન બદલ એના પર મુકર્દમો ચાલી એને ફાંસીની સજા થઈ.

૧૫

વખતે અલાદાદ ક્યાં હતો ? કાદુ ઉંટ કરીને હમણાં તેડવા આવશે એ વાટ જોઈને કરાંચીમાં એક છુપે સ્થળે એ બેઠો હતો. મોડું થયું એટલે એ ફિકરમાં પડ્યો. બાવાવેશે બજારમાં ગયો ત્યાં આખી વાત સાંભળી સાંભળીને મકરાણને માર્ગે ચડ્યો. બાવાનો વેશ, નાઘેરનાં ગામડાંમાં જીવતર ગાળેલું, અને મીઠી હલક: એટલે માર્ગી બાવાઓનાં ભજનીયાં ભારી સરસ આવડે. એની ઓડે ઓડે હીંગળાજના સંઘ ભેળો ભળીને ઠેઠ હીંગળાજને થાનક પહોંચી ગયો. જો એમ ને એમ ચાલ્યો જાત તો કદાપિ હાથ આવત નહિ, પણ મનમાં કાદુની માયા ઘણી, એટલે ખબર જાણવા ત્યાં જ પડ્યો રહ્યો. તેમાં જાણભેદુના મનમાં શક ઉઠ્યો. પોલીસમાં ખબર પહોંચ્યા. પોલીસે આવીને એને પકડ્યો ને કરાંચી લઈ ચાલ્યા. આખે માર્ગે અલાદાદ ગુજરાતીમાં જ વાત કરે અને ભજનીયાં બોલે એટલે પોલીસનો શક પણ ટળી ગયો. તેઓ બેદરકાર બની ગયા. એક દિવસ સાંજે એક ગામને પાદર પોલીસો ને એના અમલદાર ઉંટ ઝોંકારી ગામની મસીદમાં નમાજ પઢવા ગયા. અલાદાદને બેડી પહેરાવી એકલો ઉંટ સાથે બાંધી ગયા.

અલાદાદ એકલો પડ્યો. એને સમજ પડી ગઈ હતી કે ફાંસી તૈયાર હશે! એ ભાગ્યો. પોલીસોએ પાછા આવી ઉંટ દોડાવ્યાં, પણ તે વખતે તો અલાદાદ રણમાં ઝાંખરાં વાંસે છુપાઈ રહ્યો. અંધારૂં થાતાં એ દોડવા મંડ્યો. સીધો ગયો હોત તો પચીસ ગાઉ