પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સોરઠી બહારવટીયા : ૩
 

નીકળી જાત. પણ તકદીર ઉંધાં હતાં એટલે સવારે ચક્રાવો ફરી, જ્યાંથી નાઠો હતા તે જ ગામની સામે આવી ઉભો રહ્યો. ત્યાંથી પાછો ચાલી નીકળ્યો. દરમિયાન જ્યાં જયાં પાણીની કુઈઓ હતી ત્યાં ત્યાં પોલીસે ચોકીઓ મૂકી દીધી હતી એટલે સિંધના એ ભયંકર રણમાં દોડતો અલાદાદ ત્રાહિ !ત્રાહિ ! પોકારી રહ્યો હતો. તો પણ ચાલ્યો. આખરે મકરાણનો સીમાડો સાવ પાસે આવી ગયો. પણ તરસ ન ખમાયાથી અલાદાદ એક કુઈ ઉપર પાણી પીવા ગયો. ત્યાં પહેરો નહોતો. પાણી પીધું. બેજ ગાઉ ઉપર મકરાણનો સીમાડો છે. પણ એનાથી ચાલી ન શકાયું. બેહોશ થઈને ઢળી પડ્યો. થોડીવારે એની આંખો ઉઘડી. જોયું તો ઉંટવાળા પોલીસ સવારો એના શરીરને ઝકડતા હતા. કપાળ સામે આંગળી ચીંધીને અલાદાદ ચુપચાપ બંધાઈ ગયો.

જુનાગઢ રાજને જાણ થઈ. એણે પોતાના ગુન્હેગારો પાછા માગ્યા. સરકારે કહાવ્યું કે આંહી તો કેદીઓ એકબીજાને એાળખાવવાનું કોઇ રીતે માનતા નથી. માટે એવો કોઈ આદમી મોકલો, કે જેને આ કેદીઓ પોતે જ ઓળખી લ્યે, અને કદાચ એાળખવા ના પાડે તે એ માણસ કેદીઓને ખાત્રીબંધ ઓળખાવે.

હંફ્રી સાહેબે પેલા જુવાન નાગર વીર હરભાઈ દેસાઈને કેદીઓ ઓળખવા તેમજ આસી. પોલીસ ઉપરી અંબારામ છાયાને જો કેદીઓ સોંપાય તો લઈ આવવા એક પોલીસની ટુકડી સાથે કરાંચી મોકલ્યા. કાદુ જેમ સામેથી ઓળખાવે એવા સરકારી આદમી તો પ્રભાસપાટણના દેસાઈ–પુત્ર હરભાઈ એક જ હતા. આટલેથી ને એ બાકીનો ઈતિહાસ આ હરભાઇના મુખમાંથી જ દાયરે દાયરે જે શબ્દોમાં વર્ણવાએલો, એ શબ્દોમાં જ આપણે સાંભળીએ. અનેક બેઠકોમાં હરભાઈએ કહેલી આ શબ્દેશબ્દ સાચી કથાઓ છે: