પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સોરઠી બહારવટીયા : ૩
 

ખેતર શીદ ચારી લે છે ?” કાદરબક્ષે કહ્યું “પટેલ, કોરે કાગળે આંકડા માંડ, હું તારી નુકશાની ભરી દઉં. પણ આવાં રૂડાં માણસ ગામમાં મહેમાન આવ્યાં હોય ત્યારે આમ ફજેતા ન શોભે.” માંડ માંડ પટેલ ટાઢો પડ્યો. પછી ચહા પીવાતી વખતે પટાવાળા અબ્બાસે પૂછ્યું “કાદરબક્ષ ! તમને તો આખી દુનિયા શું ને શું સમજે છે ! કહે છે કે અમરાપરની હદમાં તો સાવઝ પણ ઉતરી શકતો નથી - અને છતાં આ ગંડૂની ગાળો સાંખી લીધી ?” કાદુએ હસીને જવાબ દીધેલો કે “ભાઈ ! એમાં જ મર્દાઈ છે. કૂતરાં તો માણસને કરડે, પણ માણસે કૂતરાને કરડ્યાં સાંભળ્યાં છે ? એને તો થપ્પડ મારૂં ત્યાં એ મરી જાય. પણ એવાં નમાલાં કામ માટે શીદ મારો જીવ જોખમમાં નાખું ? વખત આવશે તો કોઈક દિવસ જોવાશે કે કાદુમાં શું ભર્યું છે !” આવી તો મારી સગી આંખે જોએલી એની ખામોશી ! તે દિવસ ખબર નહોતી કે આનો આ કાદુ આખી સોરઠને હલાવશે !

એ સમય સાંભરી આવતાં મારૂં હૈયું ભરાઈ ગયું. કાદુ સમજી ગયો. એ બોલ્યો “હરભાઈ ! એમાં ગમ ખાવો શું કામ આવ ? એ તો અલ્લાહનો અમર (હુકમ) ! મુકદ્દર તે એનું નામ !”

પછી એણે દેશના બધાના ખબર અંતર પૂછ્યા. પ્રભાસવાળા અમારા બન્નેના ઉસ્તાદ મૌલાના મહમદ બિન ઇસ્માઇલ ગજનવી તગાવી સાહેબ મોટા પરહેજગાર આલિમ હતા તેને સલામ કહેવરાવી.

એટલામાં તો અંબારામભાઈ અને સિંધના બેય અમલદારો આવી પહોંચ્યા. ગોરા સાહેબે મને કહ્યું કે “તમે તો આ હરામખોરની સાથે બહુ વાતો કરવા લાગ્યા !” મેં જવાબ દીધો કે “સાહેબ, અત્યારે તો એ ગુન્હેગાર છે અને એને એની સજા મળી ગઈ છે; પણ માત્ર બે અઢી વરસ ઉપર તો એ નવાબનો નિમકહલાલ નોકર હતો ને ગાયકવાડની સરહદ પર નવાબનો મુલ્ક સાચવતો. માટે આજ અમે દિલ દિલની થોડી વાતો કરીએ છીએ.”