પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સોરઠી બહારવટીયા : ૩
 


આ વેણ મારાથી ન સહેવાયું. મારી ૪૮ તસુના ઘેરાવાવાળી જુવાન છાતી જાણે ઘવાણી. મારી છ ફુટ ઉંચી કાયાનાં રૂંવાડાં સળગવા લાગ્યાં. હું ઝપાટામાં ઉભો થઈ ગયો. સિંધી ફોજદાર મારો સીનો દેખી ખચકાણા. પણ ત્યાં તો વચ્ચેથી કાદુ બોલી ઉઠ્યો કે “ફોજદાર સાહેબ, ફખર (શેખી) મત ખાઓ ! આ૫ને કરાંચીકે બાઝારમેં જો શખસકો પકડા વો વો કાદુ નહિ થા, જીનકે સામને ઇન સાહેબો કો લડના હોતા થા. આપને તો એક બેચારા સાધુ વરાગીકો પકડા થા. અગર મેરી કમર પર તલ્વાર ઔર ખંધે પર બંદૂક હોતી તો આપ ન તો મુઝે ઝિન્દા હાથ તક છૂ સકતે, ન કરાંચી કે બાઝારમે બાજરીકે ખેતકે સિવા દૂસરા નઝારા હોતા ! [ફોજદાર સાહેબ. બડાઈ ન મારો ! આપે કરાંચીની બજારમાં કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. આપ તો એક બિચારા વેરાગી સાધુને પકડ્યો છે. બાકી જો મારી કમર પર તલવાર ને ખભા પર બંદૂક હોત, તો ન તો આપ મને જીવતો હાથ પણ અડકાડી શકત કે ન તો કરાંચીની બજારમાં બાજરીનું ખેતર લણવા સિવાયનો બીજો મામલો બન્યો હોત.]"

પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે, “આ બિચારા શું જાણે ! મારા હાથમાંનો એક ચાકુ પણ એટલો ભારી થઈ પડ્યો તે પછી બીજાં હથિઆર હોત તો મને સિપાહીનું મોત તો જરૂર મળત. ખેર, આટલું પણ ગનીમત છે.”

વખત ભરાઈ ગયો હતો. અમે પરસ્પર “ખુદા હાફિઝ” કહી જૂદા પડ્યા, કાદરબક્ષે એટલું જ કહ્યું કે “હરભાઈ, બને તો જતાં પહેલાં એક વાર મળજો !”

ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટડી પર ગયા. કાદુથી ઉલટી જ પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો. પણ પછી ઠંડે કલેજે વાત કરી. એને તો જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. કાદરબક્ષને એક વાર છેલ્લી છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલખતું હતું.