પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૧૦૫
 


ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસિબતે ફરીથી મુલાકાત કરવાની અરધા કલાક માટે રજા મળી. જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા. અસરની (સાંજના ૪ થી ૫ બજ્યા સુધીની) નમાજ થઈ રહી એટલો વખત હતો. કાદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી. એણે એક પછી એક નામ યાદ કરી કરીને માફામાફી અને સલામ કહેવરાવ્યા. પા કલાક તો એમાં જ વીતી ગયો. મેં પૂછ્યું “ ભાઈ ! હવે બીજું કાંઈ કહેવું છે ?”

એણે કહ્યું “ હા, તમે હિન્દુ છો પણ મુસલમાની ઇલ્મમાં પૂરા છો એટલે મારે તમારે મોઢેથી 'યાસીન શરીફ' સાંભળવાનો વિચાર થયો છે. હું પોતે તો છેલ્લાં બે વરસના રઝળપાટમાં મારૂં ઇલ્મ ભૂલી ગયો છું હરભાઈ ! અને આંહી સહુને વિનવું છું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈ એ સંભળાવતું નથી. તમે જો પડો, તો હું મારૂં મોટું ભાગ્ય સમજીશ.”

મેં તો મુસલમાની વિદ્યા બરાબર હાથ કરી હતી. કુરાને શરીફના મુખ્ય મુખ્ય સૂરા (અધ્યાય) મને કંઠસ્થ હતા. હું યાસીન શરીફ સંભળાવવા લાગ્યો. મુસલમાન અમલદારો પણ તુર્ત પોતાની ખુરસી પરથી ઉભા થઈ અદબ કરી ગયા અને એ પ્રિય કલામ (જેનામાં આત્માને મરતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે) કાદુએ એકધ્યાન થઈને સાંભળી. પાઠ પૂરો થયો. પણ ચુપકીદી છવાઈ ગઈ. કોઈથી કાંઈ ન બોલી શકાય એવી, મોતની મીઠી છાંયડી સમી અસર પથરાઈ ગઈ. આખરે મેં કાદુને કહ્યું “ભાઈ ! અલ્લાહુ મુહાફિઝ ! (ઈશ્વર બચાવવા વાળો છે.)”

સામે જવાબ મળ્યો : “ખુદા હાફિઝ !”

છેલ્લે છેલ્લે મારૂં પગલું ઉપડે તે પહેલાં મારા ભરાઈ આવેલાં હૈયામાંથી શેખ સાદીની બેત નીકળી પડી :–