પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સોરઠી બહારવટીયા : ૩
 

ચુ રદ્દ ન ગર્દદ ખર્દન્ગે કઝા,
સપહરનીસ્ત મરબન્દા રા જુઝ રઝા!

[જ્યારે કઝાનાં તીર કદિ ખાલી જતાં જ નથી, ત્યારે માણસ માટે રઝા સિવાય બીજી એકેય ઢાલ નથી.]

એટલું બોલી, માથું નીચું ઢાળી, કાદરબક્ષના ચહેરા સામે જોવાની હિમ્મત વિનાનો હું ચાલી નીકળ્યો હતો. તેને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનાર હતી.[૧]

કાદુને ફાંસી દેવાની સવારે જ અલાદાદને લઈ અમારી જુનાગઢની પોલીસ ઉપડવાની હતી. કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો: એણે કદિ જ અલાદાદને મળવા માટે માગણી ન કરી, કે ન મુખમુદ્રા બદલી. એ જાણે મોતને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો: ત્યારે પહેલેથી જ ક્રોધી, ખુની અને ઉતાવળીઆ સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે “મને એક વાર કાદુની મુલાકાત કરી લેવા દ્યો.” છેવટ સુધી એણે એ માગણી ચાલુ જ રાખી. પણ એ વ્યર્થ હતું.

“હું દરિયામાં પડીશ ! જીભ કરડી મરીશ !" એવી એ ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ જાપ્તાથી એને પગે ભારી ભારી બેડીઓ પહેરાવી છેક ઉંચે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો. આગબોટ ચાલી. અંબારામભાઈ અલાદાદને જોવા ગયા. એનાથી આ ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શકાયો. બીજી બાજુ એવા ભયંકર ખુનીનો જાપ્તો નરમ પણ કેમ રખાય ? એ મુંઝવણ હતી. અંબારામ ભાઈ મારી પાસે આવ્યા.


  1. *આ આખી કથા હરભાઈ દેસાઈ નવાબશ્રી રસુલખાનજીની કચેરીમાં તેઓશ્રીના પૂછવાથી ઘણીવાર કહી સંભળાવતા.