પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સોરઠી બહારવટીયા : ૩
 

ફક્ત મારા ઉપલા બંધ કાઢોને, તો મારાથી ફરાય હરાય ! વધુ કાંઈ હું નથી માગતો.”

છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અંબારામભાઈએ અલાદાદના શરીર પરથી પગની બેડી સિવાયનાં બંધનો ખસેડી લીધાં અને ફક્ત એક ડાબા હાથમાં હાથકડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં જડી. ઉપર બેવડો પહેરો ગોઠવ્યો. હું અને અલાદાદ સાથી બનીને બેઠા. ધીરે ધીરે એણે દિલનો તાપ ઉતારી નાખી મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું, પાણી પીધું ને પેટમાં ઠારક વળતાં એ વાતોએ ચડ્યો. એણે શરૂ કર્યું :

“હરભાઈ ! આજકાલમાં જ કાદરબક્ષને ફાંસીએ ચડાવશે. મારે તો આ દુનિયામાં એનાથી વધુ વ્હાલું કોઈ નહોતું. મારાં પાપ એને ખાઈ ગયાં. શું એની માયા ! મને એક વાર ગીરમાં વાંસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલી : મારાથી ચલાય નહિ : પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો : હું બેસી ગયો : મેં કહ્યું 'મામુ, ખુદા હાફિઝ !' મામુ કહે કે 'આમીન ! પણ તને મૂકીને નહિ ભાગું'  : એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી લઈને કાદરબક્ષે દોટ મૂકી, આડો અવળો થઈ વાંસાઢોળ માથે ચડી ગયો, અને ત્રણ ચાર મહિને મારો જખમ મટ્યો ત્યાં સુધી એમ ને એમ મને તેડીને ફેરવ્યો. હરભાઈ ! આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા, ત્યારે એ મારો પ્યારો મામુ બહુ દિલગીર થશે !”

બિચારો અલાદાદ ! એને શી ખબર ! પણ હું જાણતો હતો કે કાદરબક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો હશે. પણ હું શી રીતે ઉચ્ચાર કરૂં ! હું બેઠો રહ્યો. એનું પણ હૈયું ભરાઈ આવેલું. અમે બન્ને થોડી વાર ચુપ રહ્યા. વળી પાછું અલાદાદે ચલાવ્યું:

“હરભાઈ ! તમે તો સમજતા હશો કે બારવટીયા મરદાઇનો આંટો છે. પણ જીવ તો તમામને બહુ વ્હાલો છે હો ! જ્યાં જરીક બેઠા હોઈએ, ને એક પાંદડું ખડખડે ત્યાં દસ ગાઉ