પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૧૦૯
 

દોડ્યા જઈએ. અમારે તો ટાઢ, તડકો, વરસાદ બધું સરખું હતું. તમે માનશો ભાઈ ? એક દિવસ વરસાદમાં હું ટોળીથી છુટો પડી ગયો તે ઝીલાળાના ભોંયરામાં સુઈ રહ્યો. ઠેઠ બીજે દિવસે બપોરે હું ઉઠ્યો તો બાજુમાં એક સાવજ ઘોરે અને આમ હું પડેલો ! છતાં સાવજે ય મને સુંઘેલ નહિ. આમ મરણીયાથી તો મરણ પણ આઘું ભાગે છે !”

ફરીવાર બહારવટીયો ચુપ થયો. અમે બે ય થોડીવાર બેઠા રહ્યા. કોઈ કાંઈ બોલે નહિ, આગબોટ ચાલી જાય, સંત્રીઓ આંટા મારે, સાંજનું ટાણું, આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાનાં પાણીમાં નીતરતી હતી; તેમ ખુની અલાદાદના અંતરમાંથી પણ આતશ ટપકી જાતી હતી. એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઉપડતી હતી. એણે ચલાવ્યું:

“હરભાઈ ! એક દિ' બહારવટામાં હેમ્ફ્રી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. જે ગામ જાઓ તે તે ગામે ચચ્ચાર રફલો તૈયાર. એના માથે કેમ પડાય ? અમે ભૂખ્યા હતા. ખાવાનું મળતું નહોતું. તમે માનશો ! ૪૦ રૂપીએ એક શેર લોટ લીધો ને પાણીકોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકમશીની ધાર તમે તો જોઈ છે ને, ત્યાં અમે રાંધવા બેઠા. જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાંઈક ખડખડાટ થયો. ચાડિકો કહે કે ગીસ્તના પગી જેવું કંઈક દેખાણું. અમે ભાગ્યા. સાંઢડીધાર ગામ તો જમણું રહી ગયું ને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા. ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સહુની ખાત્રી થઈ કે કાંઈ જ નહતું ! પછી તકદીરને આફ્રિન કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહ્યા. અને છતાં તમારા ભાઈબંધો–પોલીસ અમલદારો રૈયતને કહે છે કે “તમે રોટલા ખવરાવી બારવટીયા નભાવો છો !”

મધરાત થઈ ગઈ. વાતો સાંભળતાં મને ઝોકાં આવવા લાગ્યાં હતાં. એટલે અલ્લાદાદે મને કહ્યું “હરભાઈ ! મેં તો બારવટું