પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સોરઠી બહારવટીયા : ૩
 

કર્યું છે, એટલે મને હાથકડી ભલે પડી. પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે. તે તમે તમારે સૂઈ જાવ !”

મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહિ, એટલે બેક કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો. વચ્ચે દ્વારકા, પોરબંદર, માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઉભી રહી ત્યારે ઘણા માણસો અલાદાદને જોવા આવેલા. તેઓએ માનેલું કે કાદુ પણ ભેગો હશે.

વેરાવળ બંદરે કર્નલ હંફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા. બહુ જ સમજદાર અને ખાનદાન આદમી: નૈતિક બળથી કામ થાય તો બીજું બળ ન અજમાવવું એ એનું સૂત્ર હતું. એણે અલાદાદને મારી સાથે જ એક મછવામાં ચાર જણ ભેળા રાખીને ઉતારવાની આજ્ઞા કરી. કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો. “હરભાઈ ! અલાબેલી !” કહીને બહારવટીયો છૂટો પડ્યો.*[૧]


  1. ** આવી અનેક હકીકત કહેનાર, સાચા સોરઠી રંગમા રંગાએલ દેસાઈ હરપ્રસાદ ઉદયશંકર બહુ જ જબરદસ્ત બાંધાના. વજ્ર કાય અને રૂવાબદાર દેખાવના હતા. તેમનો પડછંદ બાંધો અને દાઢીમૂછ જોનારને ભૂલાવો ખવરાવે કે આ કોઈ શીખ હશે. નાગરોમાં, પ્રભાસવાળા દેસાઈઓ અસલથી જ લશ્કરી ધંધા કરતા આવ્યા છે તેમ આ પુરૂષ પણ વફાદાર, પ્રમાણિક અને નિડર નર તરીકે ખ્યાત હતા. તેની દયાલુતા તો એક દુર્ગુણ જેવી હતી. પહેલા પચીસ વર્ષ જુનાગઢ રાજની પોલીસમાં બહુ જ જોખમી કામ કરી ક્રમે ક્રમે ચડેલ, પછી પછી સ. ૧૯૫૮-૫૯ માં ગીરના જંગલ અધિકારી નીમાયા. ત્યાં તેણે અઢી વર્ષમાં પચીસ નવા ગામો બાંધેલાં. નવાબ રસુલખાનજીના અવસાન પછી એડમીનીસ્ટ્રેશનમાં પણ પાછા તેને ગીરમા નીમ્યા હતા. ૩૫ વર્ષની સરસ નોકરીથી જ્યારે ફારગત થયા ત્યારે રાજ્યે ખાસ ઠરાવ બહાર પાડી એની લાંબી ને નેક નોકરીની પ્રશંસા કરેલી. પૂરી સિપાહીગીરી, મુસલમાની વિદ્યામાં પારંગતપણું, રાજ પ્રતિ વફાદારી અને કાંટીયાં વર્ણ પર પ્રેમભરપૂર કાબુ, એ એમની ખાસીયતો હતી. એમના દેહ ૧૯૨૩ માં અમદાવાદમાં પડ્યો.