પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સોરઠી બહારવટીયા : ૩
 

હજુ ફાંસીએ નહોતા લટકાવ્યા. દરમીયાન નવાબ બહાદૂરખાનજી જુનાગઢની જેલ જોવા આવ્યા. ત્યાં એણે તમામ ખુનીઓની વચ્ચે ગુલમહમદને દીઠો. ચૌદ વરસનો નાજૂક બેટો : નમણી મુખમુદ્રા : ગુલાબના ગોટા જેવું લાલ નીતરતું બદન : નવાબ નિરખી રહ્યા. “આને ફાંસીની સજા ! ના, ના, એને જન્મકેદ રાખો. એનો જાન લેશો મા.”

ગુલમહમદ જીવતો રહ્યો. કાદુની સાથે ગામડાં ભાંગવામાં ભેળો રહેનાર અને બહારવટીયાના સિતમોનો નજરોનજરનો સાક્ષી બાલક ગુલમહમદ જાગી ગયો. ખુદાના રાહ પર ઉતરી ગયો. જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પડે, નમાજ પડાવે અને અનેક ફાંસીએ ચડનારા ગુન્હેગારોની આખરી ઘડી ઉજળી બનાવે. મરતાને હિંમત આપે ને જીવતાને નેકી શીખાવે. એમ કરતાં કરતાં તો ખુદ નવાબ પણ પોતાની નમાજ વખતે ગુલમહમદને પડવા તેડાવવા લાગ્યા. આખરે ગુલમહમદ માફી પામ્યો, છૂટો થયો. નવાબે એને પોતાની પાસે જ રાખ્યો. નોકરી આપી. પરણાવ્યો. આજ એ નેક પાક આદમી ગુલમહમદ જંગલ ખાતાનો આસીસ્ટંટ ઉપરી છે, ખુદાની બંદગી કરે છે, અને પોતાને ઇન્સાનીઅતને માર્ગે ચડાવનાર નવાબની દુવા ગુજારે છે.


કાદુના પ્રશસ્તિ-કાવ્યો પૈકી એક રાસડો

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા !
દારૂગોળાની વાગે ઠોરમઠોર રે મકરાણી કાદુ !

જુની વસતી જમાદાર માર્ય મા !
 એવડાં તે દુ:ખ ન દઇએ લોકને !

એ રઢીઆળી રાત ભા. ૨ માં છે. એ રાવણહથ્થાવાળા તથા સ્ત્રીઓ ગાય છે. તે સિવાય એના દુહા પાલીતાણા વાળા ચારણ માણસૂરે કહેલ છે તેમાંના બે આ રહ્યા:

કાદરનું બાદર કને જાણ જુનેગઢ જાય
દિ' રોંઢે દેખાય. કમાડ હાટે કાદરા !

કાં કાર્યા કે મારશે જોધ્ધા ઘ૨ના જે,
બીબડીયું બંગલે કૂટે છાતી કાદરા !