પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રામવાળો
વ. સ. ૧૯૭૦ થી ૧૯૭૧.

રાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. એના ગરાસ ચાસ તો ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજખાઉ વેપારીઓની ભીંસમાં ભાંગી ગયા હતા. પુરૂષ કાઠી અધર્મો આચરતો છતાં એના ઘર અંદરની જોગમાયાઓએ જૂનાં શીલ છોડ્યાં નહોતાં. એારડે બેસીને આઈઓ ઉને આંસુએ ધણીઓનાં પાપ ધોતી અને એકાદ બે ભેંસોનાં ઘી ઉતારી પુરુષોનાં પેટ પૂરતી હતી.

કાઠી કોમને ચોફરતા ત્રણ સર્પોએ ભરડો લીધો હતો : ગાયકવાડી ગામડાંના પટેલોએ, વ્યાજભૂખ્યા વેપારીઓએ અને એના નિજના અધર્મો એ. એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં સૂરજનો સુત ભસ્મ થાતો હતો.