પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૧૫
 

પણ છેવટે રામને ઠારીને સહુ નોખા પડ્યા. રામ અને શવજી બેય પાટી દફતર ઉપાડીને અંધારે એક ગાઉ ઉપર પોતાના વતન વાવડી ગામે ચાલ્યા ગયા. પોતાની શક્તિનું પારખું ન થવાથી રામ પથારીમાં ધુંધવાતો ધુંધવાતો સૂઈ ગયો.

બાર ચૌદ વરસનો રામ રોજ વાવડી ગામથી ચાલીને ધારગણી ગામે ભણવા જતો, પણ ભણતરને ને કાઠીના દીકરાને તો બારમો ચંદ્રમા હતો. સાચનો કટકો અને જન્મથી જ કોઈ અકળ આગનો ભરેલો રામ હસતો તો કોઈક જ વાર. ટોળ ટિખળમાં ભળતો નહિ. વાત વાતમાં અન્યાય થતો હોય ત્યાં આડો પડતો. પારકા કજીઆ ઉછીના લેતો. ઝાઝું બોલ્યા વિના છાનોમાનો સળગ્યા કરતો. ત્રણેક ચોપડી માંડ ભણ્યો હશે. ત્યાં એક દિવસ એક બીજા નિશાળીઆ ઉપર અન્યાય થયો ભાળીને ન સહેવાયાથી રામ માસ્તરને સ્લેટ મારી ઘેર ચાલ્યો આવ્યો.

એકના એક દીકરાને આવો રઝળું અને ઓટીવાળેલ નીવડ્યો જોઈ બાપ લમણું કૂટતો. બાપનું નામ કાળો વાળો. લલાટે હાથ દઈને બાપ બોલતો કે “ રામ ! દીકરા ! આ ગરાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો. આપણી વીઘે વીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલ્યા ભવનો વેરી જાગ્યો, તે એકે ય વાત સરેડે ચડવા દેતો જ નથી. એમાં તને કોણ રોટલો ખાવા દેશે ?”

રામ બાપના બળાપા સાંભળતો, પણ બોલતો નહિ. એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વાંચેલી થોડીક કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરો :

જનની ! જણ તો ભક્તજન
કાં દાતા કાં શૂર;
નહિ તો રેજે વાંઝણી
મત ગૂમાવીશ નૂર !

એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો કે તુર્ત એની મા રાઠોડબાઈ એની નજર સામે તરવરી રહેતાં.