પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૧૭
 

પણ મને શી ખબર કે પરહદ વાળા પાસેથી જમીન પાછી લઇ લેવાનો કાયદો ગાયકવાડ સરકારે ઓચીંતો વાંસેથી ઘડ્યો હશે !”

“તમને પટલે નો'તું કહ્યું ?”

“મને પોગાડવા સાર ધારીથી પટેલ માથે નેાટીસ તો આવેલી, પણ એણે એ કાગળીઓ દબાવી રાખ્યો. દસ વરસ સુધી બોલ્યા ચાલ્યા વિના દંડ ચડાવ્યે રાખ્યો. આજ એ દંડની રકમ રૂા. એક હજાર ઉપર પોગી ત્યારે હવે એ કાળમુખો મોંમાંથી ફાટ્યો. હું દંડ શી રીતે ભરૂં ! ગરમલીવાળાના રૂા. ૨૨૦૦ ચૂકવ્યા વગર જમીન શી રીતે પાછી લઉં ! ને ન પાછી લઉં ત્યાં સુધી સરકારી દંડ તો ચડ્યે જ જાય છે !”

“તો હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે !” કાઠીઆણી રાતી ચોળ બની રહી હતી.”

“ધ્યાન શું પડવું'તું ! એણે તો મને કહી દીધું છે કે એક વીઘોય જો ખાવા દઉં તો હું ડોસો કુંભાર નહિ.”

“કારણ ? આપણે એનું શું બગાડ્યું છે?"

“કાઠીઆણી ! તમે ઇ દુરજનને નથી ઓળખતાં. ગાયકવાડનો ગામ પટેલ એટલે જ કાળો નાગ. શું કરૂં...!" કાળાવાળાની આંખો ફાટી રહી.

આટલી વાત થાય છે ત્યાં સરકારી પસાયતો આવીને ઉભો રહ્યો. અવાજ દીધો “આપા કાળાવાળા ! હાલો ઉતારે. પટેલ બોલાવે છે.”

“કાંઇ કાગળીએા છે ધારીથી !” ધ્રૂજત પગે કાળાવાળાએ પૂછ્યું.

“હા, આપા, તમારો તમામ ગરાસ સરકારે પોતાની જપ્તીમાં લઇ લીધો છે. હવે તમે જ્યારે રૂા. ૨૨૦૦ અને દંડના રૂા. ૧૦૦૦ ચૂકવશો ત્યારે ગરાસ છૂટશે.”

“બધો ગરાસ જપ્તીમાં?”