પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
સોરઠી બહારવટીયા : ૩
 

“હા બધો.”

કાળોવાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે

બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિ:કાર તેનું છે.

“સાચી વાત રામ !” મા રાઠોડ બાઈએ ટોણો માર્યો: “જીવ્યું ધિ:કાર તેનું છે. સાંભળીને તારા બાપની વાત. બાપ રામ ?”

“સાંભળી, મા.”

“ને આ બધું તું બેઠે કે ?”

રામ ગાવા લાગ્યો: “ જીવ્યું ધિ:કાર તેનું છે !”

કાળા વાળાનો દેહ છૂટી ગયાને વરસ વળોટ થઈ ગયું છે. રાઠોડબાઈ હવે એકલાં પડી ગયાં. પેટગુજારાની મુંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયા, રામ રઝળુ થયો અને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુ યે શાં શાં કાગળીઆાં નહિ કરતો હોય એ કોને ખબર ? રામના ઉધામા માને સમજાતા નથી. કોઈ કોઈ વાર રાત પડી જાય, રામ ઘેરે આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈને આઈ પાદરમાં રામને ગોતે, સીમમાં જઈ “એ બાપ રામ ! માડી રામ ! ઘેરે હાલ્ય !" એવા સાદ પાડે. રામ ક્યાંક ઉંડા મનસૂબા ઘડતો ઘડતો પડ્યો હોય ત્યાંથી ઉઠીને મા ભેળો ઘેરે જાય. વાળુ કરાવતાં આઈ પૂછે કે “બેટા ! તું મને કહે તો ખરો ! તારા મનમાં શું છે ? તે આ શું ધાર્યું છે ? આ મારાં લૂગડાં લતાં સામું તો જો ! હું કાઠીની દીકરી ઉઠીને કેવી રીતે મજૂરીએ જાઉં ?”