પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સોરઠી બહારવટીયા : ૩
 

એ ધર્મના ચોપડામાંથી પણ ઉલટો જ ઉપદેશ તારવતો હતોઃ રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના વૈરાગના – મરવા મારવાના જ સૂર સાંભળી રહ્યા હતા.


ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ. જાતનો કુંભાર પણ ઘેરે જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેરે દોમ દોમ સાયબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાને બ્હેકાવી નાખ્યો હતો. સરકારમાં એની હજાર જાતની ખટપટ ચાલતી જ હોય, અમલદારોને ડોસો કુલકુલાં કરાવતો એટલે ડોસાના બોલ ધરમ રાજાના બોલ જેવો લેખાતો અને કેટકેટલાના નિસાપા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા ! ડોસો ગરીબ દાડીયાંને દાડી ન ચૂકવે પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજાચિઠ્ઠી લેવા આવનારાં પાસેથી ડોસો પાવલું પાવલું લાંચ પડાવે. અરે, ડોસાએ તો કુટુંબીઓને ય ક્યાં છોડ્યાં હતાં ? સગાંની જમીનોની ફારમ ડોસો પોતે જ છાનોમાનો ભર્યે જતો અને આમ પાંચ-સાત વરસની ફારમ ચડાવીને પછી સગાં જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાંને બાવાં બનાવતો. એવો હૈયાવ્હોણો ! પોતાના સગા દીકરા શવજીએ અફીણ ખાધું : પોતાને ને દીકરાને મનમેળ નહોતા તેટલા સાટું એણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું : દીકરા શવજીનું એણે એ રીતે કમોત કરાવ્યું હતું. મુવેલો શવજી રામનો ભેરૂબંધ હતો.

એક દિવસ સવારને ટાણે ડોસા પટેલનો આવો ધમરોળ ચાલી રહ્યો છે. કેટલાં કેટલાં દાદ લેવા આવનારાં ગરીબોને ડોસો ગાળો આપે છે ન કહેવાનાં વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો: ફાટતે મ્હોંયે એણે એ બાઈને ધમકાવી કે