પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૨૧
 


“રાંડ ! ડાકણ ! ગામ આખાનાં છોકરાંને મંતર જંતર કરવા જા અને મારૂં છોકરૂં ભરાઈ ગયું ત્યારે કેમ ન આવી ?”

ધોળાં લૂગડાં પહેરીને ગરીબડે મોઢે એક જોગણ જેવી લાગતી બાઈ ઉભી હતી. એણે જવાબ દીધો “ડોસા ભાઈ ! મને ભેખને આવાં વેણ ? વિચાર કરો, બાપ ! હું નથુરામજી જેવા સાધુ પુરુષનું છોરૂ. હું રાધાબાઈ. મારે માથે આ વિજળી કાં પડે ?”

“ત્યારે કેમ નહોતી મરી ?”

“બાપ! મારૂં મન નહોતું વધ્યું. મને ભવિષ્ય માઠું કળાતું'તું. આવરદાની દોરી સાંધવાની મારી સત્તા થોડી હતી ભાઈ !”

“તું–ડાકણ ! તું જ મારા બાળકને ભરખી ગઈ.”

એટલું બોલી ડોસો ઉઠ્યો. થાંભલીઓની વચ્ચે રાધાબાઈ સાધ્વીને એણે પરોણે પરોણે મારી.

મીણ જેવા દેહવાળી રાધાબાઈ માર ન સહેવાયાથી ઢગલો થઈને નીચે ઢળી પડી. ડોસાની સામે દૃષ્ટિ ઠેરવીને એણે કહ્યું “ડોસા પટેલ ! આ બે થાંભલી વચાળે જ તારૂં કમોત થાશે. તે દિવસ સંભારજે.”

એમ કહીને એણે ચારે કોર નજર ફેરવી. આઘે ઉભેલા એક જુવાન ઉપર એની મીટ ઠરી. એ જુવાન રામ હતો. રામના મનમાં રટણ ચાલવા લાગ્યું કે “...જીવ્યું ધિ:કાર તેનું છે.”

રામ જાણે કે પોતાની નોંધપોથીમાં નવા હિસાબ લખ્યે જતો હતો.

ડોસો રામ તરફ વળ્યો “કેમ આવવું થયું છે આપા રામ ?”

“ડોસા કાકા ! મારૂં આખું ય ખળું જપ્તીમાં શીદ જમા કરો છો ? મારે ખાવું શું ?”

“તમારા બાપના એ પ્રતાપ છે આપા રામ !” પટેલ બોલ્યો.