પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સોરઠી બહારવટીયા : ૩
 

આગળીઓ ઘડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલાં તેણે સહેજ પૂછ્યું કે “ડોસા ભાઈ, અટાણે બળબળતે બપારે શીદ ઉપડ્યા ?”

“અરે ભાઈ, ઓલ્યા કેસરીઆ ઉતર્યા છે ને, તે એની સાટુ માણેક થંભ ઘડાવવા જાઉં છું.” ડોસાએ બાવળનો કટકો ઉંચો કરી બતાવ્યો. ડોસા પટેલની જીભમાંથી ધગધગતો મર્મ બોલ વરસ્યો અને બજારે બેઠેલ લોકો મર્મ પામી ગયા. કરાંચીથી રામ ગોલણની ટોળી પકડાઈને ગાડીમાંથી ભાગી છુટી હતી અને વાવડી ઉપર ક્યાંઇક તૂટી પડશે એવા ભણકારા ડોસાને બોલતા હતા. તેથી ડેલીના મજબૂત બંદોબસ્ત માટે એ આગળીઓ કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસ બહુ વહરૂં લાગ્યું. ડોસો નહોતો જાણતો કે આ મશ્કરીને સાચી પાડનાર કાળ પોતાનાથી ઝાઝો છેટો નહોતો.

આગળીઓ ઘડાવીને ડોસો પટેલ આવી ગયો. સાંજ પડી. સીમાડેથી ગોધણ ગામ ભણી વળ્યાં. હજુ ગોધૂલીને વાર હતી. આ વખતે શેલ નદીની ભેખડમાંથી ત્રણ જુવાનો તલવાર ભર નીકળી પડ્યા. સડેડાટ વાવડી ગામમાં દાખલ થયા. જેમ બજારને નાકે જાય તેમ તો પોતાના દુશ્મન ડોસાના દીકરા માધાને ઉભેલો દીઠો. જુવાન માધો ખોજાની દુકાનેથી નાસ્તો તોળાવતો હતો. એણે ખુલ્લી તલવારે રામને ભાળ્યો. ભાળતાં જ 'ઓ બાપ !” કહેતા એ હડી દઈ ભાગ્યો. 'ઉભો રેજે ટપલા !' એવી ત્રાડ પાડીને રામે ઉઘાડી તરવારે વાંસે દોટ દીધી. બરાબર ડેલીમાં રામ આંબી ગયો. માધાને ઠાર મારવાનો તો ઈરાદો નહોતો, પણ ઝનૂને ચડેલા બહારવટીયાએ માધાના અંગ પર તલવારના ટોચા કર્યા. રીડારીડ થઈ ગઈ અને ડોસો પટેલ બેબાકળો બહાર નીકળ્યો. એણે પોતાનો કાળ દીઠો. ચીસ નાખીને ભાગ્યો. રામ એના ફળીમાં પહોંચ્યો. એક જ પલક – અને ડોસો નાઠાબારીએથી નીકળી જાત: પણ પાછળથી એના ચોરણાનો નેફો ઝાલીને રામે પછાડ્યો. ઝાટકા ઝીંકયા. પ્રાણ કાઢી