પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૩૭
 


છગન ઉઠ્યો. બાઘોલા જેવો બની જોવા લાગ્યો. રામે ફરી ત્રાડ દીધી. “લે બંદૂક, હું રામવાળો !”

છગનની જીભ ખીલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. ઝોંટ મારીને રામે એની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ છગનની રખાત કોળણો ઉભી થઈ રહી હતી તેને રામે કહ્યું “પગમાંથી કડલાં કાઢી નાખો ઝટ.”

કડલાં કઢાવ્યાં. પછી રામે છગનને પૂછ્યું “બોલ, તુંથી શું બનવાનું છે ?”

“કાંઈ જ નહિ. હું ભૂલ્યો છું.”

“આ લે આ તારી બંદૂક ને આ તારી કોળણોનાં કડલાં. તું ઉતરી ગયેલ તો ય ઓતમ ખોળીએ અવતરેલ છે એમ સમજીને જવા દઉ છું.”

છગનના થરથરતા હાથમાં બંદૂક આપીને બહારવટીયો ચાલ્યો ગયો.

જળજીવડી ગામે આવ્યા. પોલિસપટેલને ખોરડે ગયા. ત્યાંનો પોલીસ પટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓ બેઠી હતી. ઘર લુંટવું હોત તો તૈયાર હતું. પણ રામ ન રોકાણો. માત્ર ઓચીંતી ઓસરીની ખીંતીએ એની નજર પડી. એણે કહ્યું “ભાઈ નાગ, પટેલની ઓલી બંદૂક ઉપાડી લે.”

ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો.

૧૧

કોહરને ડુંગરે, આષાઢ મહિનાને ટાઢે બપોરે આવો સંતલસ થાય છે:

“સો વાતે ય મારે તમને ઇંગોરાળાનું ગામતરૂં કરાવવું રામભાઈ !”