પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૪૧
 

નીકળી ઝાંપે હનુમાનને શ્રીફળ વધેરી ગામમાં ગયાં. ત્યાં સામો એક આદમી મળ્યો. માથે ગોદડાંનો ભારો છે. બહારવટીયે પડકાર્યો :

“ઉભો રે એલા, કોણ છો ?”

“ઈ તો હું નાનજી કોટવાળ. આ જુવોને, ભાઈ તમારાં પાપમાં ઘેર ઘેર જઈ, બાયુંની ગાળ્યું ને છોકરાંના નિસાપા વ્હોરી તમારા સારૂ પાગરણ વેઠે ભેળું કરું છું. તમે તો ગામડાંનો દાટ વાળી નાખ્યો ભાઈ !”

કંટાળેલા કોટવાળે માન્યું કે એ પોલીસ પાર્ટી છે. બહારવટીઆ જાણે કે એ અમને ગાળો દે છે. એને થપાટ મારી ચુપ રાખી કહ્યું “હાલ અમારી ભેળો.”

સડેડાટ બહારવટીયા એક શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈ ઉભા રહ્યા. એક લાંબો સાદ પાડ્યો “ ઉઘાડજો !”

ડેલીના ઉંડાણમાં આઘે આઘે મોટું ફળી હતું. બે ત્રણ નોખનોખી ઓસરીએ ખોરડાં હતાં, અને ઓસરીમાં બેસી જૂઠો ને મુળજી નામના બે ૫૦ વર્ષ ઉપરની અવસ્થાના ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવીને ઘેર આવ્યા પછી રોજની રીત પ્રમાણે જુઠો ને મૂળજી મસ્લત કરતા હતા કે ક્યા ક્યા કળને કેમ ફાંસલામાં લેવું: કોને ગળે વ્યાજની, દાવાની, જપ્તીની વગેરે જુદી જુદી છરીઓ ફેરવવી: કોનાં ખોરડાં નવાં ચણાય છે : અને એમાંથી આવું એ લોકોનું દિવસ રાતનું રટણ હતું. કયું ખોરડું કેટલે વરસે આપણા થાલમાં આવી શકે તેમ છે !”

ડોસાનાં કાવતરાં ઉપર ઉદાસ થતો ભલો દીકરો ચત્રભુજ પણ બેઠો હતો.

ફરી વાર અવાજ આવ્યો “ઉઘાડો !”

ચત્રભુજ ઉઠ્યો, ત્યાં તો જૂઠા ડોસા કહે કે “ના, તું નહિ. બારવટાંનો સમય છે. ડેલીએ કોણ હોય કોણ નહિ ! હું જાઉં છું.”