પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સોરઠી બહારવટીયા : ૩
 

જૂઠાએ ડેલી ઉઘાડી. પાણીના પૂર શી ટોળી અંદર ઘુસી. દોડીને ત્રણે મરદોને દાબી દીધા. તરવાર કાઢીને કહ્યું “બહુ લોહી પીધાં છે. લાવો હવે કાઢી આપો.”

“ભાઈ સાબ ! અમારી પાસે કાંઈ નથી.”

વાત સાચી હતી. બધું નગદ નાણું કુંડલા ભેળું કરી નાખેલું. પણ બહારવટીયા કેમ માને ? મંડ્યા તલવારના ચરકા કરવા : પેટ ઉપર, હાથ ઉપર મ્હોં પર, પીઠ ઉપર : તો ય લોહાણા ન માન્યા.

ઘરમાંથી જુઠાની બે જુવાન આણાત દીકરીઓ. જુઠા અને મુળજીની ઘરવાળીઓ તથા દીકરાની વહુવારૂઓ દોડી આવી. અને પુરુષોની આડે અંગ દઇ, પાલવડા પાથરી વિનવવા લાગી કે “એ ભાઈ ! એને કોઈને મારો મા. આ લ્યો આ અમારાં ઘરેણાં. એને મારો મા.”

ત્યાં તો ઉઘાડી ડેલીની બહાર ઉભેલા નેજાળા આદમીની હાકલ પડી કે “ જોજો ભાઈઓ ! સંભાળજો ! બાઈયું બેન્યુંને સંભાળજો. જો જો હો. એનો છેડો ય ન અડે. ખબરદાર, બાયુંનું કાંઈ લેતા નહિ.”

સાંભળીને બારવટીયા આડી પડેલી એ બાઈઓને કહે છે કે “ખસી જાવ બાપ ! તમારું અમારે ન ખપે. તમે અમારી બોનું દીકરીયું. છેટી રો. ખસી જાવ.”

એમ કહી વળી પુરુષોને મારવા લાગે. ત્યાં વળી પાછી ડેલીએથી બૂમ આવે કે “સાચવજો, કોઈને જાનથી મારશો મા. વધુ પડતા પીટશો મા. હવે ચોંપ રાખો ! ઘણું ટાણું થયું !”

જૂઠાને, મૂળજીને ન ચત્રભુજને તરવારના ત્રીસ ત્રીસ ચરકા થયા, આખાં શરીર ચિતરાઈ ગયાં, ચત્રભુજને તો પેટમાં એક ઉડો ઘા પણ પડી ગયો, છતાં એ ન માન્યા. અને બાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપવા આવી તે બહારવટીયાએ ન રાખ્યાં. થોડું ઘણું જે કાંઈ ધરમાંથી મળ્યું તે લઈ બહાર