પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
સોરઠી બહારવટીયા : ૩
 

જોયું તે પાટીદાર ફોજદાર જીવોભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠે દબાવી દીધી. બહારવટીયાએ પૂછ્યું “કોણ છો ?”

“બામણ છું. પગાર પત્રકમાં સહીઓ કરવા આવ્યો છું.”

હથીઆરોનો કબ્જો લઈ બહારવટીયા ગામ માથે ચાલ્યા. સામે હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો, બહારવટીયો કહે “એલા સમાયેં ઢોલ વગાડ.”

ઢોલ બજે છે તેના તાલમાં “એલી ! એલી !” કરતા બહારવટીયા ચાલ્યા. કૂરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુળસી, વગેરે બ્રાહ્મણના ખોરડાના દેદાર લાગ્યા. પૂછયું “આ કોનું ઘર ?” જવાબ મળ્યો “કૂરજી ગોરનું.” ભોંઠો પડીને લૂંટારો પાછો વળ્યો. પછી કૂરજી ખોજાને ઘેર ગયા. ખૂબ ગીનીઓ લૂંટી.

ત્રણ ચાર જુવાનોએ બજારમાં કાપડની દુકાનો તોડી લોહીચૂસ વેપારી અને ગામડિયા ગરીબ ગરાકનું કટાક્ષભર્યું નાટક ભજવ્યું. પછી ધર્માદો કરીને નીકળી ગયા.

પોલીસ સૂબા બાજીરાવ ઘાડગેનો પડાવ દલખાણીએ હતો ત્યાં એને જાણ થઈ. હડમડીયા જેવું પાકા બંદોબસ્તવાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કરડ્યા.

એ છેલ્લામાં છેલ્લું ગરગામડું ભાંગીને ત્યાંથી રામવાળો પાછો વળ્યો. વળતાં બાબરીઆવાડ સોંસરવા સહુ જાઈભાઈને મળતો હળતો હાલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરૂએ સંભારી દીધું કે “રામભાઇ, આંહી થડમાં જ સોખડા અને કાતરા ગામ રહી જાય છે. બેન લાખબાઈને માકબાઈ બાપડી ઝંખતી હશે. એને મળતા જાયેં તો ?”

“ના, ના,” રામે નિસાસો નાખીને કહ્યું: “હવે વળી બોનું કેવી ને કેવો ભાઈ ? બારવટીયો તો જીવતું મડું. એ ગાંઠ તો મેં કાપી જ નાખી છે ભાઈ, માટે હવે એ વાત ન સંભારો !”